રિક્ષા ચાલકોની મહિને 5 હજાર લેખે 3 મહિનાનું વળતરની માંગ
રાજ્ય સરકાર દ્વારા રિક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રિક્ષા ચાલકો દ્વારા પહેરવામાં આવતા કપડા ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે રિક્ષાચાલકોની ઓળખ થઈ શકે એટલા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જો કે, રિક્ષાચાલકો આ નિર્ણયનો વિરોધ કરતાં કહી રહ્યા છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, લોકડાઉન બાદ રોજી રોટીનો સવાલ પેદા થયો છે. નિયમ નહીં પરંતુ રિક્ષાચાલકોને હાલ રાહત પેકેજની જરૂર છે. રિક્ષાચાલકના યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજય સરકારે નિયમ અમલી કરાવતા પહેલા લોકડાઉનના કારણે રિક્ષાચાલકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે એ અંગે વિચારવાની જરૂર છે. લોકડાઉનના એક મહિનાના રૂપિયા 5 હજાર લેખે કુલ 3 મહિનાના વળતર પેટે રૂ.15 હજાર રાજય સરકારે ચુકવવા જોઈએ. જેથી રિક્ષાચાલકોનું ગુજરાન ચાલી શકે. અત્યારે રિક્ષાચાલકોની હાલત કફોડી થઈ છે ત્યારે રાજ્ય સરકાર યુનિફોર્મ પહેરવાનો નિયમ માથે લાદી રહી છે.જે યોગ્ય નથી.