શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જુલાઈ 2020 (03:23 IST)

અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાલ ફલોપ, રીક્ષાચાલકોમાં નારાજગી

કોરોનાને કારણે બે મહિના લોકડાઉનમાં રહેલા ઓટો રીક્ષાચાલકો માટે રાજય સરકાર રાહતનું પેકેજ જાહેર કરે તેવી માંગ સાથે અમદાવાદ શહેરમાં આજે ર લાખ કરતા વધારે ઓટો રીક્ષાચાલકો આજે સવારથી જ એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતરવાના હતા. પરંતુ ઓટો રીક્ષા યુનિયનો તરફથી આપવામાં આવેલુ એલાનફલોપ સાબિત થયુ છે.

કોરોનાને કારણે કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ જે લગભગ બે મહિના સુધી ચાલ્યુ હતુ. આ દરમિયાન કામ-ધંધા બંધ રહયા હતા. જુદા- જુદા વર્ગમાં ઓટો રીક્ષા ચલાવનારો એક મોટો વર્ગ હતો તે પણ લોકડાઉનમાં ફસાયો હતો ઓટો રીક્ષા બંધ થતા સેંકડો રીક્ષાચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ત્યારે એક દિવસની હડતાલની જાહેરાત થતા ઘણા રીક્ષાચાલકોએ નારાજગી વ્યકત કરી છે.

આજે સવારે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં રીક્ષાઓ દોડતી નજરે પડતી હતી. સવારના ૯ વાગ્યા સુધીમાં ઓટો રીક્ષાઓથી રસ્તાઓ ધમધમતા હતા. જાકે લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેલા ઓટો રીક્ષાચાલકો પણ હડતાલના મૂડમાં નથી. રીક્ષાચાલકો પર હુમલા કરી બળજબરીપૂર્વક રીક્ષાઓ અટકાવી દેવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ આ વખતે સવારથી જ શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે તો તેમની સમક્ષ આજીવિકાનો મોટો પ્રશ્ન છે. વળી જેમણે હપ્તેથી રીક્ષાઓ ખરીદી છે તેમને હપ્તા ભરવાના ચઢી ગયા છે આવા સંજાગોમાં હડતાલ કઈ રીતે પોષાય તેમ રીક્ષા ચાલકો જણાવી રહયા છે.

જોકે ઓટો રીક્ષાચાલકોના 10 થી 12 જેટલા યુનિયનોએ એક દિવસ પ્રતિક હડતાલનું એલાન આપ્યુ છે. ઓટો રીક્ષાચાલક યુનિયનના આગેવાનોએ તેમની માંગણી રાજય સરકાર સમક્ષ રજૂ કરતા જણાવ્યુ હતુ કે રાજય સરકાર એક મહિનાના 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15 હજાર રૂપિયા આર્થિક સહાય કરે તેવી માંગણી છે. રીક્ષાચાલકોને સરળ નિયમોને આધિન લોન મળી રહે તથા એક સત્રની તેમના બાળકોની ફી માફ કરવામાં આવે તથા વીજબીલમાં રાહત અપાય તેવી તમામ માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લગભગ ૧ર યુનિયનોના આગેવાનો મળ્યા હતા. 7 જુલાઈના રોજ એક દીવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે.

અમદાવાદ શહેરની બે લાખ કરતા વધારે ઓટો રીક્ષાઓના ચાલકો આજે એક દિવસ માટે પ્રતિક હડતાલ પાડશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ આજે સવારથી શહેરના વિવિધ માર્ગો પર ઓટોરીક્ષાઓ દોડતી નજરે પડતી હતી સવારે ઓટોરીક્ષાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી જરૂર હતી.