શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જુલાઈ 2020 (12:32 IST)

આજે અમદાવાદ-ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસશે? જાણો, હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ચોમાસાનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, નવરંગપુરા, જમાલપુર, પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર, બાપુનગર, નરોડા, નિકોલ, સેટેલાઈટ, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ચાર ટીમ સૌરાષ્ટ્ર તરફ રવાના કરી દેવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાઈ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવે તે આગામી 24 કલાકમાં વધુ સક્રિય થશે. મોન્સૂન ટ્રો કચ્છ, અમદાવાદમાંથી પસાર થઇ રહ્યું છે. જેના પગલે આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. આજે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમાં અમદાવાદ-કચ્છ-ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-રાજકોટ-અમરેલી-ભાવનગરનો સમાવેશ થાય છે.'

8 જુલાઈ આસપાસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 50થી 60 કિલોમીટર  પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેને લઈને 9 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખડેવાની સૂચના અપાઈ છે.