સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 જુલાઈ 2020 (12:30 IST)

રાજ્યમાં મેઘમહેર: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં નદીઓ થઈ બે કાંઠે

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા બે ત્રણ દિવસથી શ્રીકાર વરસાદના લીધે ખેડૂતોમાં આનંદ છવાયો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી યથાવત રહી છે. રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમ્યાન કુલ 112 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગીર માંથી પસાર થતી નદીઓમાં પુર આવ્યું છે. પંથકની હિરણ, કપિલા, આંબખોઈ અને સરસ્વતી નદીમાં પુર આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે.

ગઈકાલે સાંજે માત્ર બે કલાકમાં જ જાણે આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત રાજ્યના કોડિનારમાં 8 ઈંચ, સુત્રાપાડા, વિસાવદર અને માળિયાહાટિનામાં 4, 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.જ્યારે ખાંભા અને ગીર ગઢડામાં 3 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ વરસાદ અમરેલીના જાફરાબાદમાં બે કલાકમાં બે ઇંચ, જામનગરના કાલાવડમાં પણ બે ઇંચ, કચ્છના ભચાઉમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જિલ્લાના મહુવા, તળાજા, અલંગ, ઘોઘા સહીતના તાલુકા મથકોમાં, વહેલી સવારથી ઝરમર વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા. ચેકડેમમાં નવા નીરની આવક થઈ હતી. નવસારીમાં પણ સારા વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી છૂટા છવાયા વરસાદ બાદ આજે નવસારી શહેર સહિત ગણદેવી, જલાલપોર, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામા ગઈકાલ સંધ્યાકાળથી ધીમીધારે વરસાદના આગમન સાથે સવારે ધોધમાર વરસાદ ખાબકતાં નવસારીમાં અને વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

આ તરફ વલસાડ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન બન્યાં છે. વલસાડ સહિત વાપી, ધરમપુર, કપરાડા તેમજ ઉમરગામ અને પારડીમાં વરસાદ વરસી રહ્યો છે. 3થી 4 ઈંચ વરસાદને કારણે નીંચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ તરફ ભરૂચ જિલ્લાના વાલીયા,નેત્રંગ અને ઝઘડિયાના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

વાવેતર માટે કાચા સોના જેવા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા. તો રાજકોટમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના લોધીકા, ધોરાજી અને પડધરીમાં દોઢ ઈંચ જ્યારે જામકંડોરણા અને ગોંડલમાં એક ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ તરફ રાજ્યના મહત્વના શહેર અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વેજલપુર, સેટેલાઈટ, શ્યામલ, થલતેજ, મેમનગર, ગોતા, સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી