શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 જુલાઈ 2020 (15:26 IST)

ભાજપે ગમે તે કરીને રાજ્યસભામાં જીત મેળવી પણ વિધાનસભાની પેટાચૂંટણી મુશ્કેલ બનશે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોને રાજીનામાં અપાવીને જીતતો મેળવી લીધી હતી. પરંતુ આ 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પક્ષપલટુઓને જો ટિકિટ મળે તો ભાજપમાં જ અસંતોષનો દાવાનળ ફાટી નીકળે તેમ છે. જેના કારણે ભાજપ માટે રાજ્યસભા જેટલી વિધાનસભાની પેટા ચૂંટણી સરળ નહીં પણ મુશ્કેલભરી બની શકે છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી રાજ્યસભામાં ભાજપને મદદ કરનાર 8 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યો તો હજુ ભાજપમાં જોડાવવા તૈયાર નથી તે જોતા આ ત્રણ બેઠકો લીંબડી, ડાંગ અને ગઢડામાં આ ત્રણેય પૂર્વ ધારાસભ્ય અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી શકે છે,

જ્યારે અન્ય પાંચ બેઠકો પર પણ પક્ષપલટુંને ટિકિટ આપવા સામે ભાજપના સ્થાનિક નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગઢડા બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમારનું કમબેક થઇ શકે છે. આત્મારામ પરમારે તો ગઢડા અને વલ્લભીપુરમાં કાર્યકરો–સમર્થકો સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે. આ જ રીતે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપ ટિકિટ આપી શકે છે. પરિણામે પાર્ટીમાં અસંતોષ ઊભો થયો છે. ભાજપના કાર્યકરો અક્ષય પટેલને ટિકિટ મળે તેનાથી ખુશ નથી. આ જ અક્ષય પટેલે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સામે સુગર કૌભાંડને લઇને ઘણાં આક્ષેપ કર્યા હતાં. હવે જ્યારે અક્ષય પટેલે ભાજપમાં પ્રવેશ કર્યેા છે ત્યારે સતિષ નિશાળિયા વચ્ચે મનમેળ નથી. મોરબીની બેઠક પર બ્રિજેશ મેરજાને ટિકિટ મળવાની હોવાથી આ બેઠકના દાવેદાર અને અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા કાંતિ અમૃતિયા બળવો કરવાના મૂડમાં છે. તેમણે પણ પાર્ટીમાં દાવો ઊભો કર્યેા છે કે આ મારી પરંપરાગત બેઠક છે તેથી પાર્ટીએ મને જ ટિકિટ આપવી જોઇએ. આ સંજોગોમાં પાર્ટીની મૂંઝવણ વધી છે. ભાજપે ચૂંટણી નિરીક્ષકોની નિમણુક કરીને તેઓ જે તે મતવિસ્તારમાં સેન્સ લેવા જાય છે તો તેમને પક્ષના જ નેતાઓનો વિરોધનો સૂર જાણવા મળે છે. ભાજપમાં જ્યાં ડખો ઊભો થયો છે તે જે. વી. કાકડિયાની ધારી, પ્રદ્યુમનસિંહ જાડેજાની અબડાસા, બ્રિજેશ મેરજાની મોરબી, જીતુ ચૌધરીની કપરાડા અને અક્ષય પટેલની કરજણ બેઠક છે. આ બેઠકોમાં ભાજપના 2017 વિધાનસભાના ઉમેદવારો પણ હાલ બળવાખોરી કરવાના મૂડમાં છે. એટલે કે આ પાંચ બેઠકોમાં ભાજપની ટક્કર ભાજપના ઉમેદવારો સામે થવાની છે. બાકીની ત્રણ બેઠકોમાં ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવારો મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે.