ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (17:47 IST)

રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન અવિનાશ ધૂલેસીયાનું મોત

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને માટે સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જો કે બે દિવા પૂર્વે ગુંડાઓની જેમ ઘસી આવી 5 જેટલા શખ્સોએ નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવના પગલે ચાર જેટલા સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી અવિનાશ ધૂલેસીયા નામના કારખાનેદારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ આઇપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ગત મંગળવારે રાતે 1 વાગ્યાની આસપાસ ભૂમાફિયાઓએ પથ્થરમારામાં અવિનાશભાઇ ધૂલેસીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, 48 કલાકની ટૂંકી સારવાર દરમિયાન ગુરુવારે રાતે 11.30 વાગ્યા આસપાસ તેમનું મોત નીપજ્યું હતું. જેથી હવે આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.