1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (14:26 IST)

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિકની ઘટના સામે આવી, 8ની અટકાયત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિ.ની બી.કોમ. સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર પણ 'લીક' થયાની ફરિયાદ સાથે 'આપ' ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. રાત્રીના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે.સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિક થયાની ઘટના સામે આવી છે. આ પૂર્વે વર્ષ 2014 બીસીએ, 2016માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર લીક થયું હતું. જયારે ગઈકાલે બી.કોમ. કોમ સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થતા ચકચાર મચી જવા પામ્યો છે.ગત તારીખ 22 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શરૂ થયેલ અલગ અલગ 22 પરીક્ષાઓ હાલ ચાલી રહી છે જે અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાના પ્રારંભે બીજા જ દિવસે બીકોમ સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થયાની ઘટના સામે આવી છે. પેપર લીક થયાની જાણ કરતા સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણીની સૂચના મુજબ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અમિત પારેખ પેપર લીક મામલે પુરાવા સાથે યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોચ્યા હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ આપેલ ફરિયાદના આધારે યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં યુનિવર્સીટીને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS એ આપેલ વૉટ્સએપના સ્ક્રીનશોટના આધારે ગ્રુપમાં પેપર મુકનાર તેમજ લવલી યારો ગ્રુપના એડમીન કોણ છે? એ દિશામાં તપાસ હાથ ધરી હતી જે બનાવની ગંભીરતા આધારે ત્વરિત તાપસ હાથ ધરી રાત્રી દરમિયાન જ પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.