શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2017 (12:40 IST)

મહેસાણામાં આગામી સપ્તાહમાં યોજાનાર આઝાદી કૂચની મંજુરી ના અપાઈ

બનાસકાંઠામાં કાગળ પર ફાળવવામાં આવેલી જમીન પર કબજો મેળવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મહેસાણામાં ૧૨મી જુલાઇએ આઝાદી કુચનું આયોજન કર્યુ હતું પણ તંત્રેએ છેલ્લી ઘડીએ પરમિશન આપી ન હતી. દલિતોએ એવો આક્ષેપ કર્યો છેકે, મંત્રી નિતીન પટેલના ઇશારે તંત્રએ રેલીની મંજૂરી રદ કરી દીધી છે. ઉનાકાંડના એક વર્ષ નિમિતે મહેસાણામાં આઝાદી કૂચ આયોજિત કરાઇ છે. આ રેલીમાં કનૈયાકુમાર ઉપરાંત દલિત,પાટીદારો, મુસ્લિમ આગેવાનો હાજરી આપશે . રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર જીજ્ઞોશ મેવાણીએ એવો આક્ષેપ કર્યો છેકે, નરેન્દ્ર મોદી-અમિત શાહના રોડ શો માટે કરોડોનું આંધણ કરી મંજૂરી આપવામાં આવે છે જયારે દલિત-પાટીદારોની રેલી હોય તો તંત્ર મંજૂરી આપતુ નથી.

ભાજપ સરકારના ઇશારે તંત્ર લોકશાહીનું ગળુ ઘોંટવાની એકેય તક ગુમાવતુ નથી. ઉનાકાંડના પિડીતોને હજુ ન્યાય મળ્યો નથી . ગૌરક્ષકોની દાદાગીરી હજુ ઓછી થઇ નથી. ખેડૂતોના દેવા માફ થયા નથી ત્યાં આઝાદીની કૂચ થકી ન્યાય માંગતા દલિતોને પરમિશન પણ અપાતી નથી. પાટીદાર કેદીનું જેલમા મૃત્યુ થયાનો મુદ્દો હજુ થમ્યો નથી ત્યાં દલિતોની રેલીથી સરકાર ફફડી ચૂકી છે. દલિતોએ એવુ નક્કી કર્યું છેકે, સરકાર મંજૂરી નહી આપે તો પણ ૧૨મી જુલાઇએ મહેસાણાના સોમનાથ ચોકમાં દલિત સહિત પાટીદારો, મુસ્લિમો મોટી સંખ્યામાં ઉમટી પડશે . એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો, દલિતો, ખેડૂત સંગઠનો, વેપારીઓ, લઘુમતી મંત્રી નિતીન પટેલને મત થકી જવાબ આપશે.