શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:12 IST)

કૉંગ્રેસનો વિચાર-આચાર એ મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી જેવો છે: ભાજપ

ભગવાન શ્રીરામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આખો દેશ ભગવાન શ્રીરામને માને છે અને પૂજે છે. કૉંગ્રેસ પણ હવે તેમને માનવા લાગીને કાર્યક્રમો આપવાનો પ્રયાસ કરે છે. તે ખોટું નથી. સારી વાત છે, પરંતુ કૉંગ્રેસનો ઈરાદો માત્ર રાજકીય અને નાટકીય હોવાનો જણાવીને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એવો આક્ષેપ કર્યો હતો કે, એક બાજુ કૉંગ્રેસ ભગવાન શ્રીરામનું અસ્તિત્વ જ નથી, તે કાલ્પનિક પાત્ર છે તેમ કહે છે. કૉંગ્રેસના કપીલ સિબ્બલ રામમંદિર જલદી ન બને તે માટે કોર્ટમાં ૨૦૧૯ પછી રામમંદિરનો ચુકાદો આવે તેમ કહે છે. એટલે અયોધ્યામાં રામમંદિર ન બને તેવા કૉંગ્રેસના કાવા-દાવા રહ્યાં છે.

કૉંગ્રેસ દ્વારા ગુજરાતમાં મંદિરોમાં પૂજા સામગ્રી અને વિધિ માટેના સાધનોની કિટ વિતરણ કરવાના કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યા એ જણાવ્યું હતું કે, કૉંગ્રેસની વિચારધારા તળિયા વગરના લોટા જેવી છે. કૉંગ્રેસ જ્યાં સત્તામાં હોય છે ત્યાં ભયંકર ભ્રષ્ટાચાર કરે છે અને જ્યાં સત્તામાં નથી હોતી ત્યાં દંભ, જૂઠ્ઠાણાં અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. દેશમાં એક પછી એક રાજ્યમાંથી કૉંગ્રેસ સતત હારતી જાય છે. ગુજરાત અને દેશની જનતા જાણે છે કે, કૉંગ્રેસની વિચારધારા તળિયા વગરના લોટા જેવી છે. કૉંગ્રેસ પહેલાં જાતિવાદ, કોમવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાની વિચારધારા બંધ કરે તો તે ભગવાન શ્રીરામને ભજવા કે પૂજવા બરાબર છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે,કૉંગ્રેસનો વિચાર-આચાર એ મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી જેવો છે. કૉંગ્રેસ જે.એન.યુ.ના કેટલાક લોકોની રાષ્ટ્ર વિરોધી, હિન્દુત્વ વિરોધી કાર્યક્રમોમાં જાય છે. તેવાં લોકોને પ્રોત્સાહન આપે છે. ભાજપ માટે હિન્દુત્વ એ સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતા છે. કૉંગ્રેસ માટે એ રાજકીય દંભ હોઈ શકે છે, પરંતુ ભાજપ માટે હિન્દુત્વ એ જીવનશૈલી છે. હિન્દુત્વ એટલે સત્ય, પ્રેમ, કરુણા, સામાજિક સમરસતા અને માનવતા છે. ભાજપ માટે હિન્દુત્વ એટલે સર્વધર્મ સમભાવ છે, સૌનો સાથ-સૌનો વિકાસ છે. કૉંગ્રેસ એ માત્ર નહેરૂ-ગાંધી પરિવારમાં જ માને છે. જે પરિવારે ૩૮ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદ ભોગવ્યું હતું. જ્યારે ભાજપ વસુદૈવ કુટુમ્બકમની ભાવના સાથે વિશ્ર્વને એક પરિવાર માને છે.