શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Home Tips - શિયાળામાં સ્કિન કેર કેવી રીતે કરશો

શિયાળામાં ત્વચા શુષ્ક થવી બહુ સામાન્ય વાત છે. પણ ત્વચાને મુલાયમ બનાવી રાખવાના માર્ગો પણ સરળ છે. તમે અહીં દર્શાવેલા કેટલાંક માર્ગો અપનાવી તમારા ચહેરાની ખોવાયેલી સુંદરતા અને ચમક પરત મેળવી શકો છો. જાણીએ કેવી રીતે...

વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ, બધા પાસે આજકાલ સમયની ઉણપ હોય છે. માટે જ સુંદરતા જાળવી રાખવા અવારનવાર બ્યુટી પાર્લરમાં જવું અશક્ય છે. પણ શિયાળાની ઋતુમાં ત્વચાની દેખરેખ પણ અત્યંત આવશ્યક છે. આવામાં તમે ઘરે બેઠા જ તેની સારી રીતે કેર કરી શકો છો.

ચમક માટે કાકડી :કાકડી નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી તે ગ્લો કરશે. આ રસનો ચહેરા પર મસાજ કરવાથી ડાઘા અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી તમારો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે તેની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.

લીંબુના રસથી બ્લિચિંગ :લીંબુ એક સારા હીલરનું કામ કરે છે. તેની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસ પણ તમને તાજગીનો અહેસાસ કરાવે છે. એક ચમચી લીંબુના રસમાં એટલા જ માપની ખાંચ નાંખી ઘૂંટણ અને એડીએ ઘસવાથી ત્યાંની ત્વચા સ્વચ્છ થાય છે. નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક છે. એક ગ્લાસ ચાનું પાણી લો અને તેમાં એક લીંબુનો રસ મિક્સ કરો. આ પાણીથી વાળ ધુઓ, તમારા વાળમાં શાઇનિંગ આવશે.

જો તમારા નખ પીળા છે તો એક અઠવાડિયા સુધી તેની પર લીંબુ ઘસતા રહોવ. આમ કરવાથી તેની કુદરતી ચમક પાછી ફરશે. લીંબુના છોતરાને સૂકવીને ઘઉંના લોટ અને બદામ સાથે દળી લો. બોડી સ્ક્રબ તરીકે આ મિશ્રણ અત્યંત ફાયદો કરાવશે.

ગ્લો માટે પપૈયું :ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર છે. તેનાથી સનબર્નથી પ્રભાવિત ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.

બ્લેકહેડ્સ દૂર કરવા ટામેટું : ટામેટામાં એસિડની માત્રા પુષ્કળ હોય છે. માટે તે ઓઇલી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમની માત્રા ઘણી વધુ હોય છે. માટે તે ત્વચામાં ચમક જાળવી રાખવા અને બ્લેકહેડ્સને ઓછા કરવામાં બહુ મદદરૂપ હોય છે.

સ્કિન ટાઇટનિંગ માટે બટાકા :કાચા બટાકા સુંગરતા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ સામે કારગર સાબિત થાય છે. તે માત્ર આંખોને જ રાહત પહોંચાડવાનું કામ નથ કરતા પણ આંખો નીચેના કાળા ડાઘા પણ ઓછા કરે છે. તેમાં સ્ટાર્ચની માત્રા બહુ હોવાથી તેનો ઉપયોગ સ્કિન ટાઇટનર તરીકે પણ કરી શકાય છે. કાચા બટાકાનો રસ ત્વચા પર ઘસો અને સૂકાયા બાદ તેને સાફ કરી દો. બટાકાનો રસ, લીંબુ, જવનો લોટ, દૂધમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.