Bhavnagar News-ગુરૂપૂર્ણિમાના તહેવારે જ બગદાણામાં બારે મેધ ખાંગા, ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
ગુરૂપૂર્ણિમાના તહેવારે જ ભાવનગર શહેરમાં દોઢેક ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી હતી. મહુવાના બગદાણા પંથક ગુરૂવંદના માટે બગદાણા આવેલા ભક્તોને કોઝ વે પર પાણી ભરાઇ જવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સિહોર શહેર, ઉમરાળા, ધોળા અને આસપાસના પંથકમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો, બગદાણા ઓથા પંથકમાં રવિવારે પણ બારેમેઘ ખાંગા થતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. મહુવા તાલુકના ઓથા બગદાણા પંથકમાં શનિવારે 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે પણ આ વિસ્તારમાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે વરસાદ પડતા આ વિસ્તારના તમામ નદી, નાળા અને વોકળામાં છલોછલ પાણી ભરાય ગામમાં ઘુસી ગયા હતા. સિહોરમાં પણ અડધો ઇંચથી વધુ 15 મી.મી. વરસાદ વરસી ગયો હતો. તો ઉમરાળા અને ધોળામાં પણ અડધો અડધો ઇંચ મેઘમહેર વરસી ગઇ હતી. જેસરમાં ભારે ઝાપટા સાથે 10 મી.મી. વરસાદ વરસ્યો જ્યારે ગારિયાધાર, તળાજા, વલ્લભીપુર, પાલિતાણા અને આસપાસના પંથકમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. આમ, ગુરૂપૂનમના પાવનકારી પર્વે ગોહિલવાડમાં મેઘરાજા મહેરબાન થઇ વરસ્યા હતા. જોકે હજી અનરાધાર અને વ્યાપક વરસાદની આશા પૂરી થઇ નથી. પોરબંદર જિલ્લામાં ગત સપ્તાહમાં જ સતત 4 દિવસ વરસાદ પડ્યો હતો અને નદી-નાળા છલકાઈ ગયા હતા, ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. 1 સપ્તાહમાં વરસાદી ઝાપટા આવતા હતા પરંતુ આજે બપોરના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો જેમાં શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાઓમાં પાણી ભરાયા હતા.