અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ભલામણ લેવી પડીઃ 400 વિદ્યાર્થીઓનું વેઈટિંગ
કોરોનાને કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે જેને કારણે કોર્પોરેશનની સ્કૂલો પણ ભરાવા લાગી છે અને અનેક વાલીઓ પોતાના બાળકનું એડમિશન કરાવવા વેઈટિંગમાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સીધા જ નગર પ્રાથમિક શાળા સમિતિના ચેરમેનને પત્ર લખીને ભલામણ કરવામાં આવી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગ અને જરૂરિયાત વર્ગના વાલીઓને હજુ રાહ જ જોવી પડશે. એક તરફ લોકોની આર્થિક પરિસ્થિતિ અને બીજી તરફ ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી આ બંને કારણથી વાલીઓ હવે સરકારી સ્કૂલ તરફ વળ્યા છે.
અત્યારે સરકારી સ્કૂલો પણ મોડર્ન બની છે અને વિના મૂલ્યે સારું શિક્ષણ અને સુવિધા આપવામાં આવી રહી છે. કોરોનાને કારણે અત્યારે તમામ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવું જ શિક્ષણ વિના મૂલ્યે સરકારી સ્કૂલમાં પણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા છે. હજુ કેટલીક ઈંગ્લીશ માધ્યમની સ્કૂલમાં 300- 400 વેઇટિંગ છે.વાલીઓ પોતાના નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે શાસન અધિકારીને રાજકીય પક્ષના નેતાઓ દ્વારા સીધા પત્ર લખીને પોતાના ઓળખીતા માટે એડમિશન આપવા ભલામણ કરાઈ રહી છે. નગર પ્રાથમિક શાળા સમિતિના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, હિમ્મત સિંહ પટેલ,જામનગરના મેયર બીનાબેન કોઠારી,કોર્પોરેટર સહિત 30 નેતાઓના ભલામણ માટેના પત્ર આવ્યા છે. કોર્પોરેશનની સ્કૂલમાં અત્યારે સારી સવલત આપવામાં આવી રહી છે. જેમાં ફ્રીમાં ભણતર, ચોપડા, યુનિફોર્મ આપવામાં આવે છે.અમદાવાદમાં 468 સ્કૂલો છે જેમાંથી 37 સ્કૂલો ઈંગ્લીશ માધ્યમની છે. 10 સ્કૂલ મોર્ડન છે. અત્યારે ઈંગ્લીશ મીડિયમની સ્કૂલમાં વેઇટિંગમાં છે જેમાં ભલામણ પણ બહુ આવેલી છે.