શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જૂન 2018 (12:38 IST)

જાણો ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખના ગઢમાં કોંગ્રેસે ભાજપ પાસેથી કઈ નગરપાલિકા આંચકી લીધી

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સોમવારે ભાજપે પાલિકાની સત્તા ગુમાવી દીધી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષને કારણે પાર્ટીએ અહીં સત્તા ગુમાવવી પડી છે. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામીણ અને મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોવા છતાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. મહુવા પાલિકાની 36 સીટોમાંથી ભાજપે 23 સીટો પર જીત મેળવી હતી. પરંતુ ભાજપના સાત નેતાઓએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો, જેના કારણે કોંગ્રેસની બેઠકોની સંખ્યા 20 થઈ ગઈ હતી. મહુવા ભાવનગર જિલ્લામાં આવે છે અને ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી અહીંથી જ આવે છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલિતાણાના છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં થયેલો વધારો અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સારા પ્રદર્શનને કારણે પાર્ટીમાં લોકસભાની ચૂંટણી માટેનો વિશ્વાસ વધી ગયો છે. મહુવાના મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થવાને કારણે પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના કાઉન્સિલર બીપિન સંઘવી અને અન્ય છ સભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યુ હતું. કોંગ્રેસે મંગુબેન બારૈયાને પ્રમુખ અને શૈલેષ સેંતાને ઉપ-પ્રમુખ જાહેર કર્યા હતા. છેલ્લા બે દશકથી સૌરાષ્ટ્રમાં ભાજપની સત્તા છે. છેલ્લા ઘણાં વર્ષોથી તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જ સત્તા હતી. કોંગ્રેસના ભાવનગર જિલ્લાના અધ્યક્ષ પ્રવિણ વાળાએ જણાવ્યું હતું કે, ભાજપના સાત સભ્યોએ અમને સાથ આપ્યો હતો અને 20 બેઠક સાથે બહુમત મેળવ્યો હતો.