શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (18:11 IST)

જસદણ ભાજપમાં ભડકો, કુંવરજી બાવળીયાને હરાવવા ભાજપના નેતાએ કોંગ્રેસનો પ્રચાર કર્યો

ભાજપના નેતાની વાઈરલ થયેલી ઓડિયો ક્લિપથી ભાજપમાં ખળભળાટ
 
બાવળીયાએ કહ્યું: મને હરાવવાનું કામ કર્યું છે હવે કમલમ અને હાઈકમાન્ડને ફરિયાદ કરીશ
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે આઠમી ડિસેમ્બરે પરિણામ આવશે. પરંતુ પરિણામ પહેલાં જ જસદણમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના નેતાએ જ જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો છે. આ બાબતની એક ઓડિયો ક્લીપ વાઈરલ થતાં જ ભાજપમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કુંવરજી બાવળીયાએ આ અંગે કહ્યું હતું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ ચૂંટણી દરમિયાન મારા વિરુદ્ધ  કામ કર્યું છે.
 
હું ભાજપ હાઈકમાન્ડને ફરિયાદ કરીશઃ કુંવરજી બાવળીયા
જસદણ પંથકની એક ઓડિયોક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં જસદણમાં ભાજપ નેતા ગજેન્દ્ર રામાણી ખુદ કોંગી ઉમેદવાર ભોળા ગોહેલને સમર્થન આપતા હોવાની વાત કરે છે તથા ઓડિયોક્લિપમાં 'જય ભોળાનાથ' કોડવર્ડ સાથે ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાત પણ કરે છે. આ ઓડિયા કલીપમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ સામે આવ્યું છે. આ મામલે કુંવરજી બાવળીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ટોળકી પહેલેથી જ પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે.અને તેમાં ભરત બોઘરા પણ સામેલ છે. હવે કમલમમાં ફરિયાદ થશે.
 
કુંવરજીએ કહ્યું, ગજેન્દ્ર રામાણી મારી વિરુદ્ધ પ્રચાર કરે છે
કુંવરજી બાવળીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ મારા વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. અગાઉ પણ ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ અને અન્ય 5-6 લોકો સામેલ છે. આ મામલે ઉપર રજૂઆત કરી હતી.જોકે તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતા આજે ફરીવાર તેમણે આવી હરકત કરી છે. ઓડિયો કલીપમાં સ્પષ્ટ પણે ભરત બોઘરાનું નામ બોલાય છે એટલે તે પણ પક્ષ વિરુદ્ધની કામગીરીમાં સામેલ હશે. હું સમગ્ર મામલે હાઈકમાન્ડમાં અને કમલમમાં ફરિયાદ કરીશ.
 
ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાનું ખુલ્યું
પ્રાપ્ત વિગત મુજબ, જસદણ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવાળીયાને હરાવવા માટેની વાતચીત ભાજપનાં જ નેતા દ્વારા 'જય ભોળાનાથ' કોડવર્ડ હેઠળ કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે. ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ કુંવરજી બાવળીયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ બેઠકમાં ભોળા ગોહેલ કોંગ્રેસનાં ઉમેદવાર હોવાથી સમગ્ર ચર્ચા દરમિયાન 'જય ભોળાનાથ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાની ખુદ કુંવરજી બાવળીયાએ સ્વીકાર્યું છે.