નલિયા કાંડમાં કોંગ્રેસનું મૌન, એનજીઓ મેદાનમાં -મહિલા કોંગ્રેસ વિરોધ કરવા તૈયાર નથી
નલિયા સેક્સકાંડએ હવે તૂલ પકડયું છે જેના લીધે દેશભરમાં આ મુદ્દો ગાજ્યો છે. આ સેક્સકાંડમાં વિપક્ષ કોંગ્રેસે હજુ સુધી મૌન ધારણ કર્યું છે. બીજી તરફ, ગુજરાતમાં સ્વૈચ્છિક સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યાં છે જયારે મહિલા કોંગ્રેસે મહિલા અત્યાચારના વિરોધમાં ય દેખાવો,પ્રદર્શન કરવા તૈયાર નથી . કોંગ્રેસની પ્રદેશની નેતાગીરી આ મામલે ઠંડુ વલણ અપનાવતાં રાજકીય ગલિયારીમાં તર્કવિતર્ક વહેતાં થયાં છે.
નલિયા સેક્સકાંડમાં ભાજપની સંડોવણી બહાર આવતાં જ આમ આદમી પાર્ટીએ મોરચો માંડયો છે. ભાજપ સામે લડવાની એક પણ તક આપ ગુમાવતી નથી. આપના મહિલા નેતાએ આ પ્રકરણ પર ઠંડુ પાણી રેડવા આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને સાંસદ વિનોદ ચાવડા સામે આંગળી ચિંધી છે જેથી આરોગ્ય મંત્રીએ બદનક્ષીનો દાવો કરવાની ચિમકી આપી છે જેથી આપે પણ શંકર ચૌધરીની આ ચિમકી ડર્યા વિના વિરોધ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી છે. આમ આદમી પાર્ટીએ સેક્સકાંડને ચગાવી રાજ્યભરમાં દેખાવો કરવાની રણનીતિ ઘડી કાઢી છે.
બીજી તરફ, સેકસકાંડમાં કોંગ્રેસની પ્રદેશની નેતાગીરીને જાણે રસ જ નથી. રાજ્યભરમાં સૌથી મોટુ સેક્સકાંડમાં વિરોધ કરવા કોંગ્રેસે અત્યાર સુધી મૌન દાખવી રહી છે. સાથે સાથે મહિલા કોંગ્રેસે પણ મોં સીવી લીધું છે. વિપક્ષ તરીકે પણ ભૂમિકા ભજવવામા કોંગ્રેસ અત્યારે તો નિષ્ફળ રહી છે. અમદાવાદમાં શુક્રવારે ઓલ ઇન્ડિયા ડીએસઓ પણ સવારે ૧૧ વાગે લાલ દરવાજા પાસે દેખાવો કરશે .