રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (12:06 IST)

બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ આ મુદ્દાઓને ધ્યાને નહીં લો તો પરિણામ રદ થઈ શકે છે

આગામી 7 માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષામાં  બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં 32 મુદ્દા આવરી લેવાયા છે. આ મુદ્દાઓમાં જો વિદ્યાર્થી ઉત્તરવહી પર ભગવાન કે અન્ય કોઇનું નામ લખે કે કોઇ પણ પ્રકારના પ્રતિક કે વિશેષ અંકનો ઉપયોગ કરે, ઉત્તરવહીને નિયત દોરાથી ન બાંધે તો પણ શિસ્તભંગ અંતર્ગત બોર્ડની કમિટી સમક્ષ સુનાવણીમાં હાજર થવું પડશે.
વિદ્યાર્થી સ્ટિકર લગાવવાનો પ્રયાસ કરે તો તેની પરીક્ષાનું પરિણામ રદ થશે. આ ઉપરાંત પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ જાતે જ પોતે જે બેન્ચ પર બેસીને પરીક્ષા આપે છે, તેના પર કોઇ જાતનું લખાણ હશે, તો તેનું ધ્યાન ખંડ નિરીક્ષકને દોરવાનું રહેશે. કારણ કે, જો આવા સાહિત્યમાંથી લખ્યું હશે, તો પરિણામ રદ કરીને બીજી વાર પરીક્ષા આપવા ન મળે તેવી સજા છે. આ જ સજા જવાબવહી સાથે ચલણી નોટો જોડવા કે મૂકવા સામે પણ છે. 
આ ઉપરાંત કોઈપણ પરિક્ષાર્થી સરનામું લખે કે પરીક્ષાર્થીએ પોતાને પાસ કરતું લખાણ લખ્યું હશે તો તે વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ રદ કરાશે. આ વર્ષથી બોર્ડે જાહેર કરેલા નવા નિયમો મુજબ બોર્ડની પરીક્ષામાં ગોપનિયતાના નિયમના ભંગ બદલ 3 વર્ષની જેલની સજા અને રૂ.2 લાખનો દંડ થશે. પરીક્ષાલક્ષી સાહિત્ય સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાય તે રીતે સ્થળ સંચાલકની હાજરીમાં ખોલવું, ઓળખપત્રો સાથે રાખવાં અને જે શાળામાં પરીક્ષા હશે તે શાળાના સંચાલક કે કોઇ પણ સ્ટાફ ત્યાં ફરજ નિભાવી શકશે નહીં જેવા નવા નિયમો જાહેર કરાયા છે. આ નિયમોને 1972થી કલમ 43ના અન્વયે લાગુ પાડવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી યુઆર રાઠોડે જણાવ્યું કે, 'બોર્ડની પરીક્ષામાં થતી પેપર લીક અને અન્ય ગેરરીતિઓને અટકાવવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે નવા નિયમો જાહેર કરાયા છે.'