રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી, બે મજૂરને ઈજા
રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમીને ધરાશાયી થયું હતું. જોકે, બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે. જો બાંધકામ આ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકોના જીવ જોખમાત. પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.
જોકે બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઓવરબ્રિજના મેઇન પિલરો નમી પડ્યા છે. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.નવ નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજના 14 નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મોડી રાતે 4થી 5 વાગ્યે આ બનાવ બન્યો હતો. હાલ નબળા ભાગને દૂર કરવા વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે.માધાપર ચોકડી પાસે નવા બનતા ઓવરબ્રિજનું બાંધકામ ધરાશાયી થતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. આખરે નવા બનતા ઓવરબ્રિજનું બાંધકામ ધારાશાયી થતા ક્યારે અટકશે તેવો સવાલ ઉઠ્યો છે.