ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ડીસાઃ , શુક્રવાર, 17 મે 2024 (13:45 IST)

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

Banaskantha eco car and bull tragedy
Banaskantha eco car and bull tragedy
ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. રાજ્યમાં નાના ગામડાથી મોટા શહેરો સુધી રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને જીવ પણ ગુમાવ્યો હોય તેવી ઘટનાઓ બની છે. શહેરો અને ગામડાઓમાં રખડતા આખલાઓનો આતંક પણ એટલો જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના સિહોરી- થરા હાઈવે પર દોડી રહેલી ચાલુ ઇકો કાર આખલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં આખલો આગળના ભાગેથી કારમાં ઘૂસી ગયો હતો. જેમાં આખલાનું મોત થયું હતું અને ઈકો કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનાં દૃશ્યો જોઈ રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
 
ડીસા-રાધનપુર હાઇવે પરનો બનાવ
બનાસકાંઠા જિલ્લાના સિહોરી-થરા હાઈવે પર શિહોરી નજીક એક ઈકો કાર પસાર થઈ રહી હતી. ત્યારે સામેની તરફથી એક આખલો અચાનક આવી ચડ્યો હતો અને કૂદકો લગાવી કારની અંદર ઘૂસી ગયો હતો. વિચિત્ર અકસ્માતના કારણે કારનું પડીકું વળી ગયું હતું. ઈકો કારના આગળના ભાગે જ આખલો ટકરાયો હોવાથી ડ્રાઈવર કારની અંદર દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આખલાનું ગંભીર ઈજા થતાં કારમાં જ મોત થયું હતું.
 
અકસ્માતનાં દૃશ્યો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા
ઈકો કાર અને આખલા વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. જે રીતે અકસ્માત સર્જાયો હતો એનાં દૃશ્યો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.ઈકો કારના ચાણસ્માના વતની ચાલક કલાજી ઠાકોરએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સામે ઉભેલો આખલાને ટકકર મારતાં આખલો ઈકો કારમાં ઘુસી ગયો હતો. ત્યારે મોટો ધડાકો થતાં આજુબાજુના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જેમાં ઇકો ચાલકને ગંભીર ઈજા પહોંચી. તેના હાથ અને પગમાં ફ્રેકચર થયું છે.