1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 માર્ચ 2021 (12:47 IST)

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજી 3.65 લાખ ચોરસ મીટર જમીનનું સંપાદનનું કામ બાકી

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજી 3.65 લાખ ચોરસ મીટર જમીનનું સંપાદનનું કામ બાકી છે. જેમાં સૌથી વધુ જમીન સંપાદનનું કામ વડોદરા જિલ્લામાં બાકી છે. તેમજ ખેડૂતો દ્વારા તંત્રને 1908 જેટલી વાંધા અરજીઓ અને ફરિયાદો મળી છે.રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનના કામકાજની શરૂઆત સપ્ટેમ્બર-2017માં કરવામાં આવી હતી અને 2023માં કામકાજ પૂર્ણ થશે તેવી ગણતરી રાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મોટાપાયે જમીન સંપાદન સહિતની અનેક કામગીરી ગુજરાતમાં જ બાકી છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં ડિસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ કયા જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કેટલુ કામકાજ બાકી છે તે અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા.  જેના લેખિત જવાબમાં મહેસૂલ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં 1063.79 ચો.મી., અમદાવાદમાં 45091 ચો.મી., આણંદમાં 1421 ચો.મી., ભરૂચમાં 7232 ચો.મી., સુરતમાં 60510 ચો.મી. અને વડોદરા જિલ્લામાં 145298 ચો.મી. જમીનનું સંપાદન કરવાનું બાકી હોવાનો જવાબ અપાયો હતો.વલસાડ અને ખેડા જિલ્લામાં જરૂરિયાત મુજબની જમીન સંપાદન થઇ ગઇ હોવાનું પણ જણાવાયું હતું. વિવિધ જિલ્લામાં ખેડૂતો તરફથી મળેલી વાંધા અરજી કે ફરિયાદોમાં નવસારીમાં 201, વલસાડીમાં 236, અમદાવાદમાં 4, આણંદમાં 93, ભરૂચમાં 408, સુરતમાં 940 અને વડોદરામાં 26 મળીને કુલ 1908 સુધી પહોંચી છે.