મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (14:57 IST)

લોકરક્ષક દળની ભરતી મુદ્દે છોટાઉદેપુર જિલ્લો સજ્જડ બંધ, બોડેલી પાસે ટ્રેન રોકીને વિરોધ

લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.  બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. યુવાનોએ રસ્તાઓ ઉપર ટાયરો પણ સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં બંધને પગલે સાવચેતીના ભાગરૂપે બોડેલી અને છોટાઉદેપુર ડેપો દ્વારા બસની તમામ ટ્રીપો બંધ રાખવામાં આવી છે. જેને પગલે અનેક મુસાફરો અટવાઇ ગયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ધો.11 અને 12ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજ દ્વારા પછાત જ્ઞાતિના દાખલાને લઇને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. લાંબા સમયથી રાઠવા જ્ઞાતિના આગેવાનોની માંગ છે કે, રાઠવાની આગળ કોળી શબ્દ રાખવામાં આવ્યો છે. અને તે વહીવટી ભૂલના કારણે બન્યું છે. અને તે ભૂલ સુધારીને રાઠવા સમાજના યુવાનોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે કોઇ ન્યાય નહીં મળતા હવે આદિવાસી રાઠવા સમાજે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે.