સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 3 જુલાઈ 2019 (23:46 IST)

ઐતિહાસિક રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ કર્યા દર્શન, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ

ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથજીને મુખ્યમંત્રીએ કરી પ્રાર્થના 
 
 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી.તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ આનંદ-ઉલ્લાસના માહોલમાં રથયાત્રા નીકળે છે અને ભગવાન સામે ચાલીને ભક્તોના હાલચાલ પૂછવા નગરચર્યાએ નીકળે છે.મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંચ્છના કરી છે. અમદાવાદ મહાપાલિકા અને રાજ્ય સરકારે આ યાત્રા સફળતાપૂર્વક પાર પડે તેમજ ભક્તોને પૂરતી સગવડ મળે તેની વ્યવસ્થાઓ ગોઠવી છે તેની વિગતો આપતા વિજય રૂપાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પ્રતિવર્ષ ભગવાનને પ્રસાદ ધરાવાય છે તે પરંપરા આ વર્ષે પણ તેમણે જાળવી છે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અષાઢી બીજની આ રથયાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતીનો ધર્મલાભ લેવા દર વર્ષની જેમ આવવાના છે. વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ આપી હતી તેમજ અષાઢી બીજ કચ્છીઓનું નવું વર્ષ છે ત્યારે ગુજરાત અને ગુજરાત બહાર વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મંદીરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ મહેન્દ્ર જ્હા વગેરે પણ આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.