ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (11:42 IST)

ભગવાનના મોસાળ સરસપુરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, આજે નીજ મંદિરે આવશે

ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા પંદર દિવસથી મોસાળમાં આવેલા ભગવાન આજ તા.૨ જુલાઇને મંગળવારે વહેલી પરોઢે જમાલપુરના નિજ મંદિરે જશે. જ્યાં સવારે મંગળા આરતી કરાશે. સોમવારે રણછોડરાજીના મંદિરે ભગવાનને છપ્પન ભોગ ધરાવાયો હતો. ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડયા હતા. રથયાત્રાના દિવસે ભક્તોને હરખ ભેર જમાડી શકાય તે માટે આવતીકાલથી સરસપુરની ૧૭ જેટલી પોળોમાં રસોડા ધમધમી ઉઠશે. જ્યાં વિવિધ વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાશે.

આજે મંગળવારે સવારે સરસપુરમાં ગુજરાત તેમજ દેશભરમાંથી આવનાર એક હજારથી પણ વધુ સાધુ-સંતોને નાની વાસણ શેરી પૌરાણીક રણછોડજીના મંદિરે ભાવપૂર્વક જમાડવામાં આવશે. તેમજ સાધુ-સંતોને વસ્ત્ર અને રોકડ દાન આપીને તેમનું સન્માન કરીને સરસપુરવાસીઓ તેમના આશિર્વાદ મેળવશે.

ગત તા.૧૭ જૂનને પૂનમથી ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના મોસાળ સરસપુરમાં આવ્યા હોવાથી આ પંદર દિવસમાં લાખો ભક્તોએ ભગવાનના દર્શનનો લહાવો લઇને ધન્યતા અનુભવી હતી. આવતીકાલે મંગળવારે ભગવાન જમાલપુર નીજ મંદિરે જવાના છે ત્યારે આજે સોમવારે કેરી મનોરથ, મીક્સ ફ્રૂટ મનોરથ સહિતની વિશિષ્ટ વાનગીઓનો છપ્પન ભોગ ધરાવાયો હતો.

આગામી તા.૪ જુલાઇને ગુરૂવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નીજ મંદિર જમાલપુરથી રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. ભગવાન પોતે શહેરના વિવિધ રસ્તાઓ પર ફરીને ભક્તોને દર્શન આપશે ત્યારે તેઓ મોસાળ સરસપુરમાં બપોરે ૧૨ વાગ્યે આવી પહોંચશે. ત્યારે લાખોની જનમેદની તેમનું સ્વાગત કરવા, દર્શન કરવા ઉમટી પડશે.

મોસાળમાં આવનાર ભગવાન અને ભક્તોને જમાડવા માટે સરસપુરવાસીઓ દ્વારા ૧૭ જેટલી પોળોમાં જમણવારની વ્યવસ્થ કરવામાં આવતી હોય છે. જ્યાં ચોખ્ખા ઘીની વાનગીઓ ભક્તોને પીરસાય છે. રજવાડી ખીચડી, બટાકાનું શાક, કઢી, બુંદી, મોહનથાળ, ફૂલવડી, પુરી-શાક સહિતની વાનગીઓ ભક્તોને હોંશેહોંશે જમાડાતી હોય છે.

લુહરશેરી, કડીયાનીપોળ, લીંબડાનીપોળ, પીપળાની પોળ, ગાંધીની પોળ, તડીયાની પોળ, ઠાકોરવાસ, આંબલીવાડ, પાંચાવાડ, સાળવીવાડ, મોટી સાળવીવાળ, વાસણશેરી સહિતની પોળો અને મંદિરોમાં રસોડા આવતીકાલે મંગળવારથી ધમધમતા થઇ જશે. જ્યાં રથયાત્રાના દિવસે ભક્તોને જમાડવા માટેની રસોઇ બનાવાશે. ભગવાનની આ ૧૪૨ રથયાત્રા નિમિતે સરસપુર યુવક મિત્ર મંડળ દ્વારા તુલસીના ૧૪૨ કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવશે.

સરસપુર હાલ જગન્નાથમય બની ગયું છે. નોકરી-ધંધા છોડીને સરસપુરવાસીઓ રથયાત્રાના વિવિધ કામોમાં જોતરાઇ ગયા છે. રથયાત્રાના દિવસે ભક્તોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નાનામાં નાની બાબતોનું ધ્યાન રખાઇ રહ્યું છે. સરસપુરવાસીઓ ભગવાન અને ભક્તોને આવકારવા તન-મનથી થનગની રહ્યા છે.