ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated :અમદાવાદ , સોમવાર, 22 જૂન 2020 (19:36 IST)

શું તમે જાણો છો અમદાવાદમાં કેવી રીતે શરૂઆત થઇ હતી જગન્નાથની રથયાત્રા

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે. 142 વર્ષથી ચાલી આવતી આ પરપંરાના અતિતની ઝાંખી કરાવતો અમારો વિશેષ અહેવાલ...
 
લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા. નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નરિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.
 
આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 142 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ.  શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસિકથી મોર્ડન બની ગઇ છે.
 
માત્ર રથયાત્રા જ નહી પણ જે રથમાં ભગવાન બિરાજીને નગરચર્યાએ નીકળે છે તેણે પણ હવે નવા રૂપરંગ હાંસલ કરી લીધા છે. રથ નવા રૂપ રંગ ધારણ કર્યા છે સાથોસાથ તેમાં મોર્ડન પૈડા અને સ્ટીંયરીંગ પણ લગાડવામાં આવે છે. શરૂઆતની યાત્રામાં ગણ્યાગાંઠ્યા પોલિસ કર્મીઓ હતા હવે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ કરતા પોલીસ વધારે હોય તેવી લોકોમાં ચર્ચા હોય છે. જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રાચીન પરંપરા કોમી એખલાસનું પ્રતિક છે. લાખો શ્રદ્ધાળુઓ જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમના આશીર્વાદ મેળવીને પોતાની જાતને પાવન માને છે.