શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2019 (11:47 IST)

મોરબીની મહિલાએ પીએમને પોસ્ટકાર્ડ લખી 100 પાક વિમાની કરી માંગ

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે દોઢ સો ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે જેથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. તેમ છતાં પણ વહીવટીતંત્ર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને વિમાની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યા છે. જેથી માળીયા તાલુકાના વીરવિદરકા ગામની બહેનો તેમજ ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનને પત્ર લખીને તેઓને સતત ત્રીજા વર્ષે ખેતીમાં નુકશાન થયુ હોવાથી ૧૦૦ ટકા પાક વિમો આપવાની માંગ કરવામાં આવી છે.
 
સામાન્ય રીતે મોરબી જિલ્લાની અંદર ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા પોતાનાં ખેતરની અંદર સારો વરસાદ થશે અને સારી ઉપજ નીપજ થશે તેવી આશા અને અપેક્ષા સાથે કપાસ, મગફળી, તલ, એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. જોકે ચાલુ વર્ષે મોરબી જિલ્લાની અંદર દોઢ સો ટકા કરતા વધુ વરસાદ થયો છે. તેમ છતાં પણ આ જિલ્લાને હજુ સુધી અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. જોકે આ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું તે સદંતર નિષ્ફળ ગયું છે. એટલે આ જિલ્લાના ખેડૂતો દ્વારા હાલમાં દેશના વડાપ્રધાનને પત્ર લખીને સો ટકા વીમો આપવાની માંગ કરવામાં આવી રહી છે.
 
ગત વર્ષે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં નહિવત વરસાદ થયો હતો જેથી કરીને આ તાલુકાને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને સરકાર તરફથી મળવાપાત્ર થતી સહાયની રકમ પણ સરકારે ચૂકવી હતી. તેમ છતાં પણ માળીયા તાલુકાના ખેડૂતોને વીમાકંપની દ્વારા સો ટકા વીમો ચૂકવવામાં આવ્યો ન હતો અને આ તાલુકાના ખેડૂતોની સાથે વીમા કંપનીએ અન્ય કર્યો હતો. આવી જ પરિસ્થિતિ ચાલુ વર્ષે મોરબી જિલ્લાના માળીયા તાલુકાની અંદર ફરી પાછી નિર્માણ થાય તેવી શક્યતા છે. કારણ કે માળીયા તાલુકાની અંદર આ વર્ષે ખૂબ ભારે વરસાદ થયો છે. જેથી કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો ભારે વરસાદે સોથ વાળી દીધો છે અને ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.
 
એક ખેડૂતો જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પોતાના પ્રવચનની અંદર હંમેશા કહેતા હતા કે “મારી બહેનો તમને જ્યારે પણ તકલીફ પડે ત્યારે યાદ રાખજો તમારો ભાઈ બેઠો છે. એક પોસ્ટકાર્ડ લખજો એટલે તમારું કામ થઈ જશે” માટે હાલમાં માળીયા તાલુકાના આ ગામની ખેડૂત મહિલાઓ તેમજ ખેડૂતો દ્વારા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને સતત ત્રીજા વર્ષે પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે ખેડૂતોને તેમજ ગામડાઓને ટકાવી રાખવા માટે થઈને જે વીમા પ્રીમીયમ ભરવામાં આવ્યા છે તેની સામે વીમા કંપની દ્વારા સો ટકા વીમો ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી ખેડૂત મહિલાઓ અને તેમના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
 
કુદરતી કે કૃત્રિમ આફત આવે તો ખેડૂતોને રક્ષણ મળે તેના માટે થઈને ખેડૂતો પાસેથી વીમા પ્રીમિયમ વસૂલ કરીને પાક વીમા લેવડાવવામાં આવે છે. જોકે જ્યારે કુદરતી કે કૃત્રિમ આફત આવે છે ત્યારે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને વિમા દેવામાં આવતા નથી અને સરકાર દ્વારા મધ્યસ્થી કરીને ખેડૂતોને તેમના હકની રકમ મળે તેના માટે થઈને પણ નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી. જેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને આ વર્ષે જો મોરબી જીલ્લાના ખેડુતોને પાક વિમો નહીં મળે તો ખેડૂતોને પોતાની ખેતી છોડીને નાછૂટકે કારખાનાઓમાં કે અન્ય કોઇ સ્થળે મજૂરી કરવા માટે જવું પડે તેવા દિવસો આવે તો નવાઈ નથી.