મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 3 નવેમ્બર 2019 (11:15 IST)

આરબ દેશોના એક નિર્ણયથી મોરબીમાં હજારોની નોકરી પર જોખમ?

લગભગ પાંચ લાખ કામદારોની જીવાદોરી એવા મોરબી સિરામિકઉદ્યોગનાં ઉત્પાદનો પર ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલે (GCC) 40%થી 106% જેટલી ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે.

જાણકારોના મતે કાઉન્સિલના આ નિર્ણયની સૌથી વધારે અસર મોરબી સિરામિકઉદ્યોગ પર થવાની છે.

નોંધનીય છે કે મોરબીનાં યુનિટો દ્વારા કુલ નિકાસના 35% થી 40% નિકાસ અખાતના દેશોમાં થાય છે.

નિષ્ણાતો પ્રમાણે આ નિર્ણયને કારણે સિરામિકઉદ્યોગમાં રોકાયેલા લગભગ 75 હજારથી એક લાખ કામદારો નોકરી ગુમાવશે તેવો ભય ઊભો થયો છે.

તેમજ મોરબી સિરામિકઉદ્યોગને લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે.

અખાતના દેશોનો નિર્ણય

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે GCCએ આરબ દેશોનું રાજકીય અને આર્થિક સંગઠન છે. જેમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત જેવા દેશો સામેલ છે.

અહેવાલ પ્રમાણે સાઉદી સિરામિક્સ અને સાઉદી અરેબિયાની પ્રોસેલેઇન ફેકટરી દ્વારા ભારત, ચીન અને સ્પેનના સિરામિકઉદ્યોગો ઘરઆંગણે ઉત્પાદન કરતી કંપનીઓ કરતાં સસ્તા ભાવે માલ પૂરો પાડતા હોવાની ફરિયાદ કરાઈ હતી.

જેની સુનાવણી બાદ GCCએ ભારતના સિરામિકઉદ્યોગોનાં ઉત્પાદનો પર 40%થી 106%ની ભારેખમ ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદી દીધી છે. જ્યારે તેની સરખામણીએ ચીનના માલ પર માત્ર 24% ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી.
GCCના આ કથિતપણે વિવાદાસ્પદ નિર્ણયને કારણે મોરબીનાં સિરામિક યુનિટોનો માલ અખાતના દેશોમાં ચીનની સરખામણીએ મોંઘો પડશે.
જેથી આ દેશોમાં મોરબીના સિરામિકઉદ્યોગોનાં ઉત્પાદનોની માગ નહિવત્ બની જવાનો ભય સેવાઈ રહ્યો છે.

વેપારીઓનું શું કહેવું છે?

વિન્ટેલ સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન કે. જી. કુંડારિયા GCCના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું:

"મોરબીના સિરામિકઉદ્યોગનાં યુનિટો દ્વારા અખાતના આ દેશોમાં 4 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમના માલની નિકાસ કરાય છે."

"GCC દ્વારા ચીન કરતાં ભારતના ઉદ્યોગોની પેદાશો પર વધારે ડ્યૂટી લાદી દેવાઈ હોવાની સીધી અસર મોરબીના સિરામિકઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે જોડાયેલા લગભગ એક લાખ કામદારો પર પડી શકે છે."

"ચીનની કંપનીઓ પર 24% જેટલી ઓછી ડ્યૂટી લાદવામાં આવી છે, જ્યારે ભારતની કેટલીક કંપનીઓ પર 70% તો કેટલીક કંપનીઓ પર 100% જેટલી જંગી ડ્યૂટી લાદવામાં આવી છે."

"હાલ GCCના આ નિર્ણયે મોરબી સિરામિકઉદ્યોગમાં પ્રવર્તી રહેલા મંદીના માહોલમાં વધારો કરી દીધો છે."

"જોકે, ભારતીય ઉદ્યોગપતિઓ 11 નવેમ્બર સુધી પોતાના દાવાનો સમર્થન કરતા પુરાવા રજૂ કરી GCCના આ નિર્ણય સામે પોતાના વાંધા રજૂ કરી શકે છે, પરંતુ સરકારના સમર્થન વગર આમાં માત્ર ઉદ્યોગપતિઓથી કંઈ થાય એવું લાગતું નથી."

મોરબી સ્થિત સનસિલ્ક સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડના કિરીટ પટેલના જણાવ્યાનુસાર:

"સાઉદી અરેબિયાની એક-બે કંપનીની ફરિયાદને પગલે મોરબીના સિરામિકઉદ્યોગ પર નભતા લાખો લોકોની રોજગારી પર ખતરો ઊભો થઈ ગયો છે."

"બીજું કંઈ નહીં તો માત્ર ચીનની કંપનીઓ કરતાં ભારતની ડ્યૂટી વધારે નહોતી હોવી જોઈતી."

"આવું કરીને GCCએ મોરબીના સિરામિકઉદ્યોગની થોડીઘણી આશા પર પણ પાણી ફેરવી દીધું છે."

"ચીનના ઉત્પાદન કરતાં ભારતનું ઉત્પાદન સીધું 20% મોંઘું બનશે, જેથી અખાતના દેશોમાં અમારી પ્રોડક્ટની માગ ઘટી નહિવત્ બની જશે એ સ્વાભાવિક છે."

"બીજી બાજુ ભારતના અર્થતંત્રમાં મંદી અને રિયલ ઍસ્ટેટ માર્કેટમાં મંદીને કારણે સિરામિક ઉદ્યોગને પહેલાંથી જ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે."

"આવી પરિસ્થિતિમાં GCCનો આ નિર્ણય મોરબીના સિરામિકઉદ્યોગ માટે મરણતોલ ફટકો સાબિત થશે."

સિરામિકઉદ્યોગની સ્થિતિ

બીબીસી ગુજરાતીએ મોરબી સિરામિક્સ ઍસોસિયેશનના વૉલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ નીલેશ જેતપરિયા સાથે GCC દ્વારા લદાયેલી ભારેખમ ડ્યૂટીની સ્થાનિક સિરામિક બજાર પર કેવી અસર થશે એ વિશે વાત કરી.

જેતપરિયાના મતે, "મોરબી ખાતે સિરામિકના કુલ 850 નાનામોટા યુનિટ આવેલા છે. જે પૈકી 400-450 યુનિટ દુનિયાના 110 જેટલા દેશોમાં પોતાનાં ઉત્પાદનોની નિકાસ કરે છે."

"અંદાજે 40 હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં મોરબીનાં સિરામિક યુનિટ વાર્ષિક લગભગ 12 હજાર કરોડ રૂપિયાના માલની નિકાસ કરે છે."

"આ 12 હજાર કરોડ રૂપિયા પૈકી ચાર હજાર કરોડ રૂપિયાના માલની નિકાસ GCCના સભ્ય દેશોમાં કરાય છે."

"GCCના આ નિર્ણયથી આ નિકાસ બિલકુલ બંધ થઈ શકે છે, કારણ કે ત્યાંનું બજાર ચીનના સસ્તા માલને પ્રાથમિકતા આપશે."

"આ દેશોમાં નિકાસ બંધ થઈ જવાના કારણે જે યુનિટો એ દેશોમાં નિકાસ કરતાં તેઓ સ્થાનિક બજાર પર નજર કરશે, પરંતુ સ્થાનિક બજારમાં પહેલાંથી જ ભરપૂર સ્પર્ધા છે."

"એ કારણે સ્થાનિક બજારમાં પોતાનો માલ વેચવા આ ઉત્પાદકો સસ્તી કિંમતે પોતાનો માલ આપવા તૈયાર થઈ જશે, જેની વિપરીત અસર સ્થાનિક બજારો અને નાના ઉદ્યોગપતિઓ પર પડશે."

"હાલ આ નિર્ણયની ત્વરિત અસરથી 12 હજાર જેટલા લોકોની રોજગારી છીનવાઈ જશે."
સરકારનું શું કહેવું છે?

વિન્ટેલ સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન કે. જી. કુંડારિયા આ મામલે જણાવે છે કે, "ચીનની સરકાર GCCમાં પોતાના વેપારીઓનો પક્ષ મજબૂતપણે રજૂ કરવા માટે ખડેપગ હતી, પરંતુ ક્યાંકને ક્યાંક ભારત સરકાર તરફથી ભારતના ઉદ્યોગો માટે પૂરતા પ્રયત્નો કરાયા નહોતા.

મોરબી સ્થિત સનસિલ્ક સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડના કિરીટ પટેલ મોરબી સિરામિકઉદ્યોગને મુસીબતમાંથી ઉગારવા ભારત સરકારે પ્રયત્ન કરવા જોઈએ એવું જણાવે છે. વધુમાં તેઓ જણાવે છે કે, "સાઉદી અરેબિયા સાથે ભારત સરકાર કૂટનીતિક સ્તરે વાતચીત કરીને ભારતનાં ઉત્પાદનો પરની ડ્યૂટી ચીન જેટલી રાખવા પ્રયત્ન કરી શકે છે."

મોરબી સિરામિક્સ ઍસોસિયેશનના વૉલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ નીલેશ જેતપરિયા આ અંગે જણાવે છે કે, "સરકાર સાઉદી અરેબિયા સાથેના પોતાના દ્વિપક્ષી સંબંધોનો ઉપયોગ કરીને આ નિર્ણયમાં ફેરફાર કરાવી શકે છે."

"ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સંબંધોનો ઉપયોગ કરીને ભારતના સિરામિકઉદ્યોગ પરની ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી ઘટે એ દિશામાં પ્રયત્નો કરી શકે છે."

"જો ભારત સરકાર સિરામિકઉદ્યોગ પરના આ ખતરાને દૂર કરવા માટે કાર્યરત થશે તો જ ઉદ્યોગો અને કામદારોમાં હાલ જે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તે હળવો બનશે."

મોરબી સિરામિકઉદ્યોગ પર તોળાઈ રહેલા ભય અંગે સરકારનો પક્ષ જાણવા માટે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રી નિયામક અને ઇન્ડસ્ટ્રી સચિવ સાથે વાત કરવાનો પ્રયત્ન કરાયો, પરંતુ તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.