મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2019 (09:51 IST)

'ક્યાર' બાદ ‘મહા’ વાવાઝોડું સક્રિય, ગુજરાતને કેટલું જોખમ?

'મહા' વાવાઝોડાને કારણે લક્ષદ્વીપ સહિત દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ વખતે વરસાદની સાથે આવેલા વાવાઝોડાથી રાજ્ય ઘણું પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
દિવાળીના સમયમાં પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ભાઈબીજના દિવસે સૌથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં એક દિવસનો (ભાઈબીજ) રેકૉર્ડ 1176 મિલીમિટર વરસાદ પડ્યો હતો.
આણંદમાં 113 મિમી, વઢવાણમાં 102 મિમી, લખતરમાં 69 મિમી, સુરેન્દ્રનગર, સાયલા અને વાકાંનેરમાં 69 મિમી વરસાદ નોંધાયો છે.
ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતમાં સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
 
અરબ સાગરમાં 'ક્યાર' વાવાઝોડા બાદ હવે 'મહા' વાવાઝોડું સક્રિય થયું છે. અરબ સાગરમાં સક્રિય થયેલું વર્ષ 2019નું આ ચોથું વાવાઝોડું છે.
'મહા' નામનું આ તોફાન આ સમયે લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં 15 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
સવારના સમયે આ વાવાઝોડું મિનીકોયથી 30 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને કેરળના કોઝીકોડથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં 300 કિલોમિટર દૂર હતું.
 
વાવાઝોડાને કારણે કેરળ, તટીય કર્ણાટક અને આંતરિક તામિલનાડુમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો દક્ષિણ કોંકણ ગોવા ક્ષેત્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમજ ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં લક્ષદ્વીપમાં ભારે વરસાદ થયો છે. અમીની દિવીમાં 203 મિલી અને મિનોકોયમાં 118 મિલી વરસાદ નોંધાયો છે.
 
મહા વાવાઝોડાને કારણે કેરળ અને કર્ણાટકના તટ સહિત લક્ષદ્વીપના તટીય ભાગોમાં સાગરમાં 10થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.
ભારે તોફાનની શક્યતાને જોતાં સાગરમાં આગામી 24થી 48 કલાકમાં કોઈ પણ ગતિવિધિ બંધ રાખવાની સલાહ અપાઈ છે.
ભારતીય હવામાન વિભાગનું માનવું છે કે આ તોફાન પૂર્વીય અરબસાગરમાં સર્જાય એ અગાઉ લક્ષદ્વીપ સમૂહ પર જતું રહેશે.
 
ભારતીય હવામાન વિભાગે માછીમારોને 3 નવેમ્બર સુધી પશ્ચિમ-મધ્ય અરબ સાગર અને આગામી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ન જવા માટે ચેતવણી આપી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર 80-90 કિમી પ્રતિકલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
તો કર્ણાટક અને કેરળમાં 40-50 કિમી પ્રતિ કલાક અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
 
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે કહ્યું કે હાલમાં અરબ સાગરમાં બે ચક્રવાત સક્રિય છે. એક ક્યાર અને બીજું મહા.
તેમનું કહેવું છે કે આ મહા વાવાઝોડાની અસર ગુજરાતમાં બહુ ઓછી થશે.
હવામાન વિભાગે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં 2 અને 3 નવેમ્બરે વરસાદની આગાહી છે.
તેમના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દીવ વગેરે સ્થળોએ વરસાદની સંભાવના છે.
જયંતા સરકારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ઑક્ટોબર, નવેમ્બર મહિનો વાવાઝોડાની સિઝનનો હોય છે. છેલ્લાં બે વર્ષથી અરબ સાગરમાં વાવાઝોડાં વધુ સક્રિય થયાં છે.
હાલના સમયમાં ક્યાર વાવાઝોડું મુંબઈમાં પશ્ચિમથી 1190 કિલોમિટર અને ઓમાનમાં સલાલાહથી 830 કિલોમિટર દૂર પૂર્વમાં સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે 27 ઑક્ટોબરે આ ક્યાર વાવાઝોડું સુપર સાઇક્લૉન શ્રેણીમાં પહોંચી ગયું હતું. હજુ તે શમ્યું નથી અને અરબ સાગરમાં આ સિઝનનું ચોથું વાવાઝોડું સક્રિય થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્યાર વાવાઝોડું હજુ પણ અરબ સાગરમાં છે, પણ તેની તીવ્રતા ધીમી થઈ ગઈ છે.
આ પહેલાં ચાલુ વર્ષે જ અરબ સાગરમાં 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે.
આ પહેલાં અરબ સાગરમાં 'ક્યાર' જેવું જ શક્તિશાળી વાવાઝોડું 'ગોનુ' વર્ષ 2007માં ઓમાનમાં ત્રાટક્યું હતું અને તેણે ભારે તબાહી સર્જી હતી.
હવામાન વિભાગના જાણકારોનું માનવું છે કે દિવાળી બાદ વરસાદ થવાની શક્યતા બહુ ઓછી હોય છે. આ વરસાદને તેઓ જળવાયુ પરિવર્તન(ક્લાઇમૅટ ચૅન્જ)ની અસર માની રહ્યા છે.