મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (16:46 IST)

વિષમ સ્થિતિમાં નર્મદામાં પાણી છોડવા મુદ્દે ગંદુ રાજકારણ ના રમોઃ વિજય રૂપાણી

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણી પર અંકુશ મૂકવાને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. મધ્ય પ્રદેશ સરકારે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવાની ચીમકી આપી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતા બુધેલે રાજકીય બદઈરાદાવાળું નિવેદન કર્યુ છે. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાનએ વાતને દોહરાવી રહ્યા છે. માત્ર ને માત્ર એક હતાશ અને નિરાશ કોંગ્રેસ અને તેની સરકારો રાજકીય વૃત્તિથી, રાજકીય બદઈરાદાઓના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારનો તેઓ સહન નથી કરી શકતા. રાજકીય રીતે મૂલવીને લોકોનું અહિત કરવાની નીતિ આમાં ફલિત થાય છે.

ગુજરાતના મુખ્યપ્રધાનએ કહ્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ડેમ પૂરો કરવા અને દરવાજા મૂકવાની મંજૂરી નહોતી આપી. હું ચેતવવા માંગું છું કે, મહેરબાની કરીને નર્મદાના પાણીની પ્રશ્ને કોઈ રાજકારણ ન રમે. તેમાં જનતાનું હિત પણ નથી. માહિતીનો સંપૂર્ણ અભાવ અને બાલિશ નિવેદનો છે. નર્મદા પાણીની વહેંચણી ટ્રીબ્યૂનલ નક્કી કરે તે મુજબ કરવામાં આવે છે. ચાર રાજ્યો સાથે તે જોડાયેલી છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી મુજબ પાણીની વહેંચણી 2022 સુધી કોઈ જ ફેરફારને અવકાશ નથી. બાદમાં પુન: વિચાર માટે ઓથોરિટી બેસે ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવે છે. હું એમ માનું છું કે પાણી નહીં છોડીએ તેવી વાત તેમને શોભતી નથી.
રૂપાણીએ વધુમાં કહ્યું કે, મધ્ય પ્રદેશ સરકાર કહે છે કે વીજ ઉત્પાદન કરતાં નથી. પરંતુ હાલ વીજ ઉત્પાદન ચાલુ છે અને તેમાંથી 57 ટકા હિસ્સો આજે પણ મળે છે. ગુજરાત પણ પોતાની રીતે ક્યારેય પણ પોતાની મેળે નિર્ણય લીધો નથી. તમામ ભાગીદાર રાજ્યોને સાથે બેસી નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાત ક્યારેય મધ્‍ય પ્રદેશનું અહિત કરતી નથી. ડેમની સુરક્ષની દૃષ્ટિએ 138 મીટર સુધી ડેમનો ભરવો એ આવશ્યક છે ત્યારબાદ જ ટેસ્ટિંગ કરી શકાશે.


મુખ્યપ્રધાનએ વધુમાં કહ્યું કે, 40 વર્ષથી ચારેય રાજ્યો સહકારથી નર્મદાના પાણી અંગે સારા વાતાવરણમાં સારી રીતે વ્યવસ્થા ચાલી રહી છે. સારા વાતાવરણને ડહોળવાનું કામ મધ્ય પ્રદેશ સરકાર ન કરે. હું મધ્ય પ્રદેશના નિવેદનોને નિંદનીય કહું છું. પુન: સ્થાપનનું કાર્ય નિયત સમય મર્યાદા મુજબ પૂરું થયું છે. મધ્ય પ્રદેશ અચાનક પુન: વસન ન થવાના આક્ષેપ કરે છે તે રાજકીય બદઈરાદાથી આ કરી રહી છે. 2024 સુધી ટ્રીબ્યુનલ સુધી કોઈ પણ ફેરફાર ન કરી શકે. મધ્ય પ્રદેશ ગુજરાતને આવી ધમકી આપે તે જરાપણ યોગ્ય નથી. 
મધ્ય પ્રદેશ આ રાજકીય રીતે કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ આ વાતનો જવાબ આપવો જોઈએ કે ગુજરાતનું હિત શેમાં રહેલું છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ, નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના નિયમોને આધિન રહીને કામ કરવાનું છે. ગુજરાત સરકારનો અધિકાર છે પાણી મેળવવાનો. મને એવું લાગે છે ગુજરાત પોતાના હકનું પાણી મેળવીને રહેશે. જો મધ્ય પ્રદેશને નિવેદનને દૂર રહી પોતાની રજૂઆત નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને મધ્ય પ્રદેશે કરવી જોઈએ.

આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ નર્મદા નદીમાં પાણી છોડાવાને લઈ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર હુમલો કર્યો. વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસની સરકાર હંમેશા ગુજરાત વિરોધી રહી છે. અગાઉ જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ તેઓએ વધારવા ન દીધી. જ્યારે યૂપીએ સરકાર હતી ત્યારે અમે ડેમ પર દરવાજા મૂકવાની દરખાસ્ત કરી તો તેની પણ મંજૂરી ન આપી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તે મંજૂરી મળી. ગુજરાતના ખેડૂતો અને જનતાના વિકાસ માટે તેમણે આ નિર્ણય લીધા છે.

વાઘાણીએ વધુમાં કહ્યું કે, મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર ગુજરાતના વિકાસની વિરોધી, ખેડૂતોની વિરોધી છે. ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જનારો આ ડેમ, આ પાણી સિંચાઈ, પીવાના પાણી તરીકે અને ઊદ્યોગમાં ઉપયોગમાં લેવાશે. કોંગ્રેસની સરકાર ગુજરાત વિરોધી છે તે આજે ફરીથી પ્રસ્થાપિત કર્યુ છે. જો તેઓએ કોઈ એવી હરકત કરી તો અહીં રાજ્યમાં આંદોલન થશે. હું તેમને ચેતવું છું કે આ બાબતે તેઓ સ્પષ્ટતા કરે.