1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (15:22 IST)

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો મહિલાઓનો મુદ્દો, જાણો ગૃહરાજ્યમંત્રીએ શું જવાબ આપ્યો

harsh sanghavi
આજે દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતમાં પેપરલેસ વિધાનસભાનું લોકાર્પણ કર્યું છે અને NeVa એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે આજથી શરૂ થયેલું સત્ર પેપરલેસ છે. આજના સત્રમાં શરૂઆતથી જ વિવાદ ચાલુ થયો હતો. કલોલમાં કોંગ્રેસના ત્રણ સભ્યોને પોલીસે ઉઠાવી લેતાં કોંગ્રેસે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાર બાદ સત્રની કામગીરી શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ બળાત્કાર અને મહિલાઓ પર થતાં અત્યાચાર મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં. જેનો જવાબ પણ સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો.

કોંગ્રેસના ધારસભ્ય તુષાર ચૌધરીએ સવાલ કર્યો હતો કે, રાજ્યમાં દર વર્ષે 550 મહિલાઓ પર બળાત્કાર થાય છે. દર મહિને 45 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે અને દર મહિને 100 મહિલાઓ પર હુમલા થાય છે. રાજ્ય સરકારે મહિલાઓના સુરક્ષા માટે કોઇ કમિટી બનાવી છે કે નહીં? રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં? કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો તેની સરકાર પાસે માહિતી માગી હતી.

કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બળાત્કારના 11 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. બળાત્કાર જેવા ગુના સાથે જોડાયેલા 68 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.  સુરતમાં બળાત્કાના ગુનામાં આરોપીને 60 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યો કરતાં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે. દેશમાં 4.8 ટકા છે જ્યારે ગુજરાતમાં 1.8 ટકા ક્રાઈમ રેટ છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, મહિલા સુરક્ષા સમિતિ 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. ગુજરાતમાં ભાજપની સરકારે મહિલાઓને સુરક્ષા આપી જ છે.