શનિવાર, 2 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (16:00 IST)

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા માટે કોંગ્રેસે આ બે ધારાસભ્યોના નામ દિલ્હી મોકલ્યા

congress
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે. જ્યારે કોંગ્રેસ આ વખતે સાવ કથળેલી સ્થિતિમાં જોવા મળી છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને અસમંજસ જોવા મળી છે. 8મી ડિસેમ્બરે પરિણામ આવ્યું અને 11 ડિસેમ્બરે મુખ્યમંત્રીએ શપથગ્રહણ કર્યાં હતાં. તે ઉપરાંત 19 ડિસેમ્બરે ધારાસભ્યોએ પણ શપથગ્રહણ કર્યા હતાં. પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એ હજી નક્કી નથી. કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવવા માટે બે નામો દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યાં છે. પરંતુ હજી હાઈકમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિપક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ હાઈકમાન્ડને મોકલ્યાં છે. જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે.યાવડા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું નામ મોકલવામાં આવ્યું છે. આ બંને માંથી કોઈ એક ધારાસભ્ય વિપક્ષના નેતા બની શકે છે એવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી બાજુ પક્ષના સિનિયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાનો ઈનકાર કરતાં કોઈ નવા ચહેરાને સ્થાન આપવાની ઈચ્છા દર્શાવી છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સીટો જીતવી જરૂરી છે. જેથી કોઈપણ પક્ષ હોય તેના માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે.ભાજપે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને 156 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે 1990 પછી કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે માંડ 17 બેઠકો પર વિજય થયો છે.