8 વર્ષના બાળકે પોતાની આંખો સામે પિતા અને પછી માતાને મરતા જોયા, માતાએ પિતાને મારીને ખુદ લગાવી લીધી ફાંસી
અમદાવાદમાં એક રુંવાટા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના આઠ વર્ષના બાળકની સામે તેના પોલીસ કોન્સ્ટેબલ પિતાની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની હતી. મૃતક અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતો. તે તેની પત્ની અને બાળક સાથે પોલીસ લાઇનમાં એક ફ્લેટમાં રહેતો હતો. કોન્સ્ટેબલ અમદાવાદ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. આ ભયાનક ઘટનાના સાક્ષી રહેલા બાળકે પોલીસને જણાવ્યું છે કે માતાએ પિતાને તૂટેલા ઝુલાનાપાયાથી ઘા કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કોન્સ્ટેબલ મુકેશ પરમાર 35 વર્ષનો હતો અને તેની પત્ની માત્ર 32 વર્ષની હતી. પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
એક જ દિવસમાં બે વાર થઈ લડાઈ
અમદાવાદ શહેરના દાણીલીમડામાં પોલીસ લાઇનમાં બનેલી આ ઘટનાથી બધા ચોંકી ગયા છે. કોન્સ્ટેબલ મુકેશ પરમાર તેની પત્ની સંગીતા અને પુત્ર સાથે અહીં રહેતા હતા. પાડોશીઓએ જણાવ્યું કે માતા-પિતા વચ્ચેના ઝઘડાથી નારાજ છોકરો બહાર આવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) વાય એ ગોહિલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે છોકરાએ ઘટનાની વિગતો આપી. આ મુજબ, સોમવારે સવારે અને પછી બપોરે તેના માતા-પિતા વચ્ચે ઝઘડો થયો. બીજી વખત મામલો એટલો વધી ગયો કે સંગીતાએ મુકેશના માથાના પાછળના ભાગમાં ઝુલાના પગથી માર માર્યો. જેના કારણે કોન્સ્ટેબલ પતિનું મોત થયું.