મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (10:42 IST)

વલસાડના નારગોલમાં ૨૩ બોટમાં આવેલા ૧૧૨૩ માછીમારને ક્વોરન્ટાઈન કરાયા

નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી ૨૩ બોટના ૧૫૦૦થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. વલસાડના નારગોલમાં ૧૮૦૦માંથી ૧૧૨૩ માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ ૧૮૦૦ જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે. એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા. ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઈ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે ઉમરગામ નારગોલ બંદરે ૨૩ જેટલી બોટને લંગારાઈ હતી. જેમાંના અંદાજે ૧૫૦૦ જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા. આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના ખલાસીઓને નારગોલ બંદરે ઉતારવા દેવામાં આવ્યા ન હતા. હજુ બીજી પણ ઘણી બોટ સૌરાષ્ટ્રથી ખલાસીઓને લઈને ઉમરગામમાં આવે તેવી શક્યતા જોતાં સ્થાનિક માછીમારોમાં ભારે ઉચાટ વર્તાઈ રહ્યો છે.