1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ડિસેમ્બર 2021 (09:04 IST)

અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસમાં વિદેશથી આવેલા 220 મુસાફરોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં વિદેશોથી અમદાવાદ આવતા મુસાફરોના એરપોર્ટ પર આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન કુલ 220 વિદેશી પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામ ટેસ્ટ “નેગેટિવ' આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરે હાઈ રિસ્ક દેશોમાંથી 50, 2 ડિસેમ્બરે 42 અને 3 ડિસેમ્બરે 72 પ્રવાસીઓ આવ્યા હતા. હાઈ રિસ્ક વગરના દેશોમાંથી 1 ડિસેમ્બરે 20, 2 ડિસેમ્બરે 14 અને 3 ડિસેમ્બરે 22 મુસાફરો આવ્યા હતા. આ તમામ વિદેશ યાત્રીઓના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ યાત્રીઓના નેગેટિવ રીપોર્ટ આવ્યા હોવા છતાં તમામ મુસાફરોનો 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે અને ત્યાર પછી તમામ મુસાફરોનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે. ઓમિક્રોન વેરિએનટના પગલે ‘હાઈ રિસ્ક' કેટેગરીના દેશો અને હાઈ રિસ્ક સિવાયના દેશોની કેટેગરી નક્કી કરાઈ છે. આ વિદેશોમાંથી આવતા વિમાની પ્રવાસીઓના એરપોર્ટ પર જ રૂ.2700ના ખર્ચે RTPCR ટેસ્ટ કરાવીને 4 કલાકમાં તેનો રિપોર્ટ નેગેટિવ' આવ્યા પછી જવા દેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.