સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ઑગસ્ટ 2020 (12:01 IST)

દેશનો પ્રથમ કિસ્સોઃ અમદાવાદની મહિલાને કોરોનાનો બીજી વખત ચેપ લાગ્યો

કોઈ એક વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય અને સ્વસ્થ થયા બાદ ફરીવાર કોરોના થયો હોવાનો દેશમાં પ્રથમ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. માર્ચ-એપ્રિલ મહિનામાં શહેરમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા દાણીલીમડા વિસ્તારમાં રહેતી 54 વર્ષની મહિલાને 124 દિવસ પછી ફરીથી કોરોના થયો છે. દિલ્હી એરફોર્સમાં ફરજ બજાવતા મહિલાના ભાઈ અમદાવાદ તેમના ઘરે રોકાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય તમામ સભ્યોના રેપીડ ટેસ્ટ કરાવતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મણિનગરમાં આવેલી રતન હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા બાદ ફરીથી ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. અગાઉ કોરોના થયો ત્યારે પણ તેમને તાવના લક્ષણો હતો. બીજી વાર પણ તેમને તાવના જ લક્ષણો દેખાવા મળ્યા છે. માર્ચ-એપ્રિલમાં દાણીલીમડા વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ હતું. ત્યારે અહીં રહેતા પતિ-પત્નીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. બંન્ને પોઝિટિવ આવતા તેમને 18 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 8 દિવસ બાદ ફરીથી પતિ-પત્નીનો ટેસ્ટ કરાવાયો હતો જેમાં પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા 27 એપ્રિલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે પતિ વધુ નાદુરસ્ત હોવાથી તેમને 25 દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આઈસીએમઆરના ડોકટર સાથેની વાતચીત મુજબ આ ભારતનો પ્રથમ કેસ છે. આવો જ એક કેસ હોંગકોંગમાં નોંધાયો છે જેનો ફિનોમીક્સ સ્ટડી પણ ચાલી રહ્યો છે. આપણી પાસે અગાઉ મહિલાના લીધેલા સેમ્પલ નથી પરંતુ બીજી વાર લીધેલ તેમના નઝલ અને બ્લડ સેમ્પલ માઈનસ 8 ડિગ્રી ટેમ્પરેચરમાં એસવીપીમાં સ્ટોર કરાયા છે. વધુ રિસર્ચ માટે આ સેમ્પલ મોકલાશે.