1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (12:46 IST)

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 92 કેસ, આંકડો 1021 પર પહોંચ્યો

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 92 કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા શુક્રવારે 1021 થઇ ગઇ છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું આ નવા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 45, સુરતમાં 14, વદોદરા 8, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ 2, પાટણ 1 કેસ પોઝિટિવ આવ્યા છે. 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે 2 લોકોના મોત થતાં રાજ્યમાં મૃત્યું આંક 38 પર પહોંચી ગયો છે, જ્યાર એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જયંતિ રવિના જણાવ્યા અનુસાર નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. 
આ પહેલાં ગુરૂવારે 16 એપ્રિલે રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં જ માત્ર ગુજરાતના કુલ કેસોના 50 ટકાથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં  11 એપ્રિલે કોરોના વાયરસના કુલ 468 કેસ હતા, તો માત્ર 5 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધીમાં તો આ સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ માટે તંત્રએ હોટસ્પોટ વિસ્તારમાં સઘન ચેકિંગ અને ટેસ્ટીંગ હાથ ધર્યું છે તો આ વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે.