શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (09:12 IST)

સુરતમાં ધોરણ 11ની બે વિદ્યાર્થીની સહિત ધોરણ 10નો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

સ્કૂલો શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે ત્યાં જ વિદ્યાર્થીઓને કોરોના થયાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં લિંબાયતની સુમન સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને જયારે સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. બંન્ને સ્કૂલોને સાત દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે.સિંગણપોરની સ્કૂલમાં ભણતી બંન્ને વિદ્યાર્થીની કતારગામમાં સાથે ટયૂશન કલાસીસમાં જતી હતી. એકને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને અન્ય વિદ્યાર્થીનીને માથામાં દુ:ખાવો હતો. બંન્નેના પરિવારમાં દરેક સભ્યોએ વેકિસનનો પહેલો ડોઝ લીધો હોવાનું પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું છે. જે ટયુશન કલાસમાં બંન્ને વિદ્યાર્થીની જતી હતી તે ટયુશન કલાસ પણ સાત દિવસ માટે બંધ કરાવાયા છે. જયારે સ્કૂલમાં આ બંન્ને વિદ્યાર્થીનીની સાથે ભણતાં અન્ય 42 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મંગળવારે લિંબાયતની સુમન સ્કૂલમાં જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો તેના પરિવારમાં પણ તમામ સભ્યોએ વેકિસનના બંન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પોઝેટિવ ત્રણેય ‌વિદ્યાર્થીઓના પરિવારમાં કોઈને પણ કોરાના નથી ત્યારે તેમને ચેપ કેવી રીતે લાગ્યો તે અંગે પાલિકાએ તપાસ હાથ ધરી છે. સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજીસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ તે તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.