ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 1 માર્ચ 2021 (19:00 IST)

બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ રાખવા માટે યુવતીને જાનથી મારવાની ધમકી

નિકોલ વિસ્તારમાં 26 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધ રાખવા બાબતે હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને યુવતીનો ભાઈ સમજાવવા ગયો હતો. જે બાબતે બોલાચાલી કરી બે શખ્સોએ યુવતીના ભાઈને ઢોર માર માર્યો હતો. યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 
નિકોલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી તેની માતા બે ભાઈ અને ભાભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. યુવતી તેમના જ વિસ્તારની એક દુકાનમાં સિલાઈકામની  નોકરી કરે છે. યુવતી જ્યારે ઘરે પરત આવતા ત્યારે તેમના વિસ્તારમાં રહેતો કાળુ ભાલિયા નામનો શખ્સ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો અને મોબાઈલ નંબર 
માંગી છેડતી કરતો. જો કે યુવતીએ ઘરના સભ્યોને આ અંગે કોઈ જાણ કરી ન હતી. 
 
 
દરમિયાન  ગત શનિવારના દિવસે યુવતી નોકરી પરથી પરત ઘરે જતી હતી ત્યારે  કાળુ ભાલિયો તેનું બાઈક લઈને યુવતીની પાછળ પાછળ આવતો હતો અને કહેવા લાગ્યો કે, તુ મારી સાથે આવે છે કે નહી, તને બે દિવસનો ટાઈમ આપુ છું જો તુ નહીં આવે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ચાલ્યો ગયો હતો. જેથી ગભરાયેલી યુવતી ઘરે જઈને તેની માતા અને ભાઈને આ અંગેની જાણ  કરી હતી.  જેથી યુવતીનો ભાઈ કાળુ ભાલિયાને સમજાવવા માટે તેના ઘરે ગયો ત્યારે કાળુ ભાલિયો અને તેનો ભાઈ ભરત ભાલિયા અચાનક ઉશ્કેરાઈને યુવતીના ભાઈ સાથે ઝઘડો 
કરી મારઝુડ કરી ઢોર માર માર્યો હતો. આસપાસના લોકોએ ભેગા થઈને યુવતીના ભાઈને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવતીએ 
પોલીસ કંટ્રોલમાં ફોન કરતા કાળુ અને ભરત ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કાળુ ભાલિયા અને ભરત ભાલિયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.