સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 1 માર્ચ 2021 (17:54 IST)

આઈશાએ આપઘાત પહેલા તેના પતિ આરીફ સાથે વાત કરી હતી, ફરાર થઈ ગયેલા પતિને શોધવા પોલીસ રાજસ્થાન પહોંચી, આરોપીને ફાંસી આપવાની માંગ ઉઠી

આઈશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો
 
આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો
 
અમદાવાદ શહેરમાં આઈશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઈશા એ આપઘાત પહેલા તેના પતિ આરીફ સાથે વાત કરી હતી. આઈશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો અને તેથી જ તે તેને લઈ જવાની મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી છે. ત્યાં તેને શોધી રહી છે પણ એ વાત સામે આવી કે આયશાએ આપઘાત કર્યા બાદ જે વીડિયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાંથી જ તે ભાગી ગયો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે હકીકત જાણવા પ્રયાસ કર્યા છે.
 
આઈશાના પિતાનું શું કહેવું છે?
 
સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’
 
આઈશાએ સાસરિયાઓ સામે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો

લિયાકતઅલી મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની જિંદગીને દોજખ બનાવી તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેય માફ નહીં કરું. મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ અપાતો હતો કે તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તે ફોન કરીને અમને કહી ન શકે એ માટે તેનો ફોન પણ છીનવી લીધો હતો. આઈશાએ કોઈના ફોન પરથી મને કોલ કરીને કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો પરેશાન કરે છે. એ વખતે આઈશાએ મને એમ પણ કહ્યું હતું કે પપ્પા, હું એટલી હદે કંટાળી ગઈ છું કે હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી હું હચમચી ગયો હતો. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.
 
‘વીડિયોને ડીડી તરીકે ગણી, ફાસ્ટટ્રેક કેસ ચલાવી આરોપીને સજા કરવી જોઈએ’
 
ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે આઇશાનો કેસ અત્યંત દુ:ખદ છે. આ ઘટના મનને હચમચાવી દે એવી છે. જોકે કાયદાની દૃષ્ટિએ આ સમગ્ર ઘટનાક્રમ આઈપીસીની કલમ 306ની વ્યાખ્યાને ફિટ બેસે છે. હું માનું છું કે આ કેસમાં આરોપીને ચોક્કસ સજા થશે. જો સંજોગવશાત્ કોઈ સાક્ષી ફરી જાય કે વિપરીત પરિસ્થિતિ સર્જાય તોપણ મરતાં પહેલાં આઇશાએ જાતે લીધેલો વીડિયો જ તેના ડાઇંગ ડેકલેરશન તરીકે કન્સિડર કરીને આરોપીને સજા કરી શકાય છે. આ કિસ્સામાં ફાસ્ટટ્રેક કેસ ચલાવી આરોપીને સજા કરવી જોઈએ.
 
‘દહેજ મામલે એક અલગ હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ’
 
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે આપણી આસપાસ જાહેરાતોનાં સંખ્યાબંધ બોર્ડ લાગેલાં જોવા મળે છે, પરંતુ ક્યાંય સમાજના દૂષણ સમાન દહેજ મુદ્દે જાગૃતિનું બોર્ડ જોવા મળતું નથી. દહેજ પ્રતિબંધક કાયદો 1961થી અમલમાં છે, પરંતુ સમાજમાં જાગૃતિના અભાવે કેટલીય દીકરીઓ દહેજના ખપ્પરમાં હોમાઈને પોતાનો જીવ આપી દેતી હોય છે. આ સંજોગોમાં મહિલા હેલ્પલાઇનની જેમ દહેજના દૂષણ સામે લડવા માટેનું માર્ગદર્શન આપતી દહેજ મુદ્દે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ.