સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021
Written By
Last Updated : ગુરુવાર, 11 માર્ચ 2021 (12:27 IST)

કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપ કરનાર કૈલાશ ગઢવી સહિત ત્રણ નેતાઓને પશ્ચિમ બંગાળમાં ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા

નારાજ થયેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શહેજાદ ખાન પઠાણને પણ નિરિક્ષક નિમવામાં આવ્યા
 
ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળ અને પુડુચ્ચેરીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ત્રણ નેતાઓ  ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ઉત્તર દીનાજૈપુર જિલ્લાના નિરીક્ષક, કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણને સાઉથ 24 પ્રજ્ઞાનશા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવ્યાં છે. 
રાજીનામું આપનાર નેતાને બંગાળમાં કોંગ્રેસે ઓબ્ઝર્વર નિમ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે  ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જયારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા.
કૈલાશ ગઢવીએ કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપ કર્યો હતો
ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ ગત ઓક્ટોબર મહિનામાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. તેમણે રાજીનામામાં લખ્યું હતું કે, નમસ્કાર પ્રમુખશ્રી, આજે હું ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ(પ્રમુખ, ગુજરાત રાજ્ય) તથા પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેવી રીતે પાર્ટીમાં વફાદારી અને ઇમાનદાર લોકોની અવગણના થઈ રહી છે, તે જોઇને દુઃખ થાય છે. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં છેલ્લી બે ચૂંટણીમાં કામ કરનારી વ્યક્તિને ટિકિટ અપાય છે અને ઇમાનદારીથી પાર્ટી માટે કામ કરનાર અને તન-મન-ધનથી પાર્ટીની સેવા કરવાની અવગણના થાય છે, તે ખૂબ જ દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાદારીઓમાંથી રાજીનામું આપું છું. કૈલાસદાન ગઢવીના જય હિંદ.
ઈમરાન ખેડાવાલાએ પણ રાજીનામું આપીને પરત ખેંચ્યું હતું
કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતાં તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં, આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. તેમણે નારાજગી સાથે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. એવું કામ નહીં કરું જેનાથી પક્ષને નુકસાન થાય. મનદુઃખ જરૂર થયું છે, પરંતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી તેમણે સંતોષ હોવાનો પણ દાવો કર્યો હતો.એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યા હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.