સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (15:15 IST)

વડોદરામાં જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ગઠિયાએ વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા

વડોદરામાં રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વેપારી પાસેથી ભેજાબાજોએ રૂપિયા 13.24 લાખ ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે બે ભેજાબાજો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા રાકેશભાઇ સરદાર વાડી વિસ્તારમાં આશા કોર્પોરેશનના નામે દુકાન ધરાવે છે. દરમિયાન તેમના ઇ-મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઇ-મેઇલ કરી જણાવ્યું હતું કે, તમારે રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઈસી તથા ડિલિવરી મેળવવી હોય તો એપ્લિકેશન ફોર્મ સાથે 51 હજાર રૂપિયા, રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી માટે રૂ.1.50 લાખ, આજવા લોકેશન ખાતે ફ્રેન્ચાઇઝી ફી પેટે રૂપિયા 1 લાખ તેમજ એન.ઓ.સી સહિતના અલગ-અલગ બહાના હેઠળ ઓનલાઇન કુલ રૂપિયા 13,24,900 ભેજાબાજોએ પડાવી લીધા હતા.બીજી બાજુ રિલાયન્સ જીઓ માર્ટ નામની ખોટી કંપની ઊભી કરી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મોબાઇલનો ઉપયોગ કરનાર વ્યક્તિ અને ઇ-મેલ આઇડીના સંચાલક વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બીજા એક ફરિયાદમાં વાપી ખાતેની કંપનીના બનાવટી બીલો બનાવી વડોદરાના સ્ક્રેપના વેપારી પાસેથી ઊંચા ભાવની લાલચ આપી પેપર વેસ્ટનો માલ ખરીદી 5.13 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવાનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા શહેર નજીક શેરખી ગામમાં રહેતા વિનોદ સરોજ શેરખી બસ સ્ટેન્ડ પાસે સ્ક્રેપનો વેપાર કરે છે. તેઓ અલગ અલગ કંપનીઓ તથા વ્યક્તિઓ પાસેથી સ્ક્રેપનો માલ ખરીદી અલગ-અલગ પાર્ટીના નામે મિલોમાં માલ સપ્લાય કરે છે. અઢી વર્ષ અગાઉ વાપી GIDCમાંથી અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં પેપર વેસ્ટનો માલ મોકલી આપો, હું તમને સારો ભાવ આપીશ.વાતચીત થયા બાદ ભાવ નક્કી થતા કુલ 7 ગાડીમાં 5,13,198 રૂપિયાની કિંમતનો 23,160 કિલો વજનનો માલ મોકલી આપ્યો હતો. માલ મોકલાવ્યા બાદ પેમેન્ટની ચૂકવણી માટે ગલ્લાતલ્લા કરતા વિનોદભાઇને શંકા ગઈ હતી. જેથી વેપારીએ બિલના આધારે કંપનીના એડ્રેસ પર પહોંચી તપાસ કરતા કંપનીએ કોઈ ઓર્ડર આપ્યો ન હોવાનું બહાર આવ્યું હતું. પોતે છેતરાયા હોવાની જાણ થતાં વિનોદભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.