શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2017 (11:54 IST)

દમણને ગુજરાત સાથે જોડી દેવું જોઈએ, દારૂબંઘીને લઈ હાઈકોર્ટ ખફા

દમણના દારૂના વેપારીઓ સામે ગુજરાત પોલીસે દાખલ કરેલી ફરિયાદો રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પિટીશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની દારૂબંધીની નિતીની નિષ્ફળતાની ટીકા કરી હતી. જસ્ટીસ જે બી પારડીવાલાએ દારૂના વેપારીઓની ફરિયાદ રદ કરવાની અરજીઓ રદ ઠેરવી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતા ચુકાદામાં નોંધ્યું હતું કે,‘ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ દમણ જેવા એન્ટ્રી પોઇન્ટ્સ પરથી બેફામ ગેરકાયદેસર દારૂ રાજ્યમાં ઘૂસાડવામાં આવે છે. ત્યારે હવે સમય પાકી ગયો છે જ્યારે દમણને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રદ કરીને તેને ગુજરાતમાં ભેળવી દેવો જોઇએ. જેથી નશાબંધીના કાયદાનો અસરકારક અમલ થઇ શકે.

કેન્દ્ર સરકારે વધુ મોડું થાય એ પહેલા આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ.કાયદાકીય આંટીઘૂંટી ભરેલા આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો આપતા એવું અવલોકન કર્યું છે કે,રાજ્ય સરકાર આ કેસ ઝનૂનપૂર્વક લડી છે અને કેમ નહીં. પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં દારૂબંધીની નીતિના હકારાત્મક પરિણામો સામે આવ્યા નથી. ગુજરાતમાં જાહેર રસ્તાઓ ઉપર દારૂના બાર દેખાતા નથી, પરંતુ અદાલતોમાં નશાબંધીના કેસોની ભરમાર છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં રાજ્યની વિવિધ અદાલતોમાં કુલ ૩૯૯૨૨૧ ક્રિમીનલ કેસો પડતર છે. જેમાંથી ૫૫૬૪૫ કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના છે. જે દર્શાવે છે કે રાજ્યની દારૂબંધીની નીતિ અસરકારક નથી અથવા તો નશાબંધીના કાયદાની અમલવારીમાં મોટા છીંડા છે.