શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (15:44 IST)

આજે તો દશા બેઠીઃ ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે જ્યાં અકસ્માત થયો ત્યાં ફરીવાર એક સાથે 4 ગાડીઓ અથડાઈ

ગત મોડી રાત્રે ડમ્પર પાછળ થાર કાર ઘૂસી ગઈ હતી તેને જોવા ઉભેલા ટોળાને જગુઆર કારે અડેફેટે લેતાં 9 લોકો મોતને ભેટ્યા હતાં
 
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ઈસ્કોન બ્રિજ પર આજે સવારે ફરીથી અકસ્માત સર્જાયો હતો અને એક પછી એક એમ ચાર જેટલી કાર અથડાઈ હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. તમામ ચાલકોને આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક સાથે લાઈનમાં ચાર કાર વચ્ચે ટક્કર બાદ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે કારની બાજુમાં લોકો ઊભેલા દેખાય છે. અકસ્માતનો આ વીડિયો પણ ઈસ્કોન બ્રિજનો જ હોવાનું કહેવાઈ રહ્યું છે.
 
એક સાથે ચાર ગાડીઓ અથડાઈ 
ગત મોડી રાત્રે એક થાર ગાડી ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની કોઈ વિગતો નથી. પરંતું આ અકસ્માત જોવા માટે ઉભા રહેલા ટોળાને ફૂલ સ્પીડે આવી રહેલી એક જગુઆર કારે અડફેટે લીધું હતું. જેમાં 9 લોકોના મોત થયાં છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયાં છે. હવે આ બ્રિજ પર ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કોઈ કારણોસર એક સાથે ચાર ગાડીઓ અથડાઈ હતી. જેમાં ગાડીઓને નુકસાન થયાના અહેવાલ છે. પરંતુ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.