સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 જુલાઈ 2022 (10:51 IST)

બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ:ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 24 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ગઈકાલ રાતથી જ રોજિદ સહિતના ગામોમાં મહિલા અને બાળકોના રડવાની ચીસો અને આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી 24 લોકોના કમકમાટીભર્યા મોત થયાની સૂત્રો દ્વારા માહિતી મળી છે, જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.