ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 જુલાઈ 2020 (13:24 IST)

કેન્દ્રની ટીમ અમદાવાદ-સુરતની લીધી મુલાકાત, ગુજરાત સરકાર કામગીરીની કરી પ્રશંસા

કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે : ડૉ. વિનોદ પૌલ

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. 
 
સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, કોરોના જેવી અજાણી મહામારી સામે લડતાં લડતાં ગુજરાતે એવી અનેક પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ શરૂ કરી છે જે સમગ્ર ભારત માટે અનુકરણીય અને અનુસરણીય છે. કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરીશું.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આમંત્રણને સ્વીકારીને વિચારોના આદાન-પ્રદાન માટે ગુજરાત આવેલી તજજ્ઞોની ટીમના વરિષ્ઠ સભ્ય ડૉ. વિનોદ પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સર્વેલન્સ અને કન્ટેન્ટમેન્ટ માટે ટેકનોલોજીનો જે પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રશંસનીય છે. આ કોમ્પ્રીહેન્સીવ સ્ટ્રેટેજીના ખૂબ સારા પરિણામો અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યા છે.
 
ગુજરાતમાં અપનાવાયેલા કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન પ્રોજેક્ટની પ્રશંસા કરતા ડૉ. પૌલે જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈન એરિયામાં અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ નું કામ કરી રહેલી ટીમોને ગુજરાતમાં પલ્સ ઑક્સિમીટર આપવામાં આવ્યા છે જે અનુસરણીય છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પરિણામલક્ષી પહેલ એવા ધનવંતરી રથ દ્વારા લોકોને ઘર આંગણે સારવાર પહોંચાડવામાં આવી રહી છે તેની પણ વિનોદ પૌલે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ સીવાયના દર્દીઓની સારવાર માટેનું ગુજરાતનું અર્બન હેલ્થનું મોડલ ભારતમાં આગળ લઈ જવાશે.
 
ડૉ. વિનોદ પૌલે જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવારની સાથો સાથ દેશ માટે જી.ડી.પી. પણ મહત્વનો અને ચિંતાનો વિષય છે. ત્યારે આપણે ભારતના શ્રમિકોની દિનચર્યામાં પણ ધરમૂળથી ફેરફાર લાવવો પડશે. શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારજનોનું રક્ષણ કરતા થાય તેવી બાબતો અમલમાં મૂકવી પડશે. આ માટે ઉદ્યોગગૃહોમાં અને કામકાજના સ્થળો પર શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થાય એવી બાબતો અપનાવવી પડશે. 
 
તેમણે કહ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રે અગ્રણી એવા ગુજરાતમાં ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ફેક્ટરીઓમાં શ્રમિકો માટે નવી SOP - સ્ટાન્ડર્ડ ઑપરેટિવ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. ગુજરાતે તૈયાર કરેલા આ પ્રોટોકોલ ખૂબ અસરકારક છે. આ પ્રોટોકોલની જેનેરિક રૂપ આપવાનો પ્રયત્ન કરાશે. ભારતના અન્ય પ્રદેશો અને ઉદ્યોગોમાં ગુજરાતનું મોડેલ લાગુ કરવાના પ્રયત્નો કરાશે.
 
આરોગ્ય સેતુ અને ઇતિહાસ સોફ્ટવેર ના ઉપયોગ વિશે અત્યંત સંતોષ વ્યક્ત કરતા ડૉ. વિનોદ કે પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર આ સેલફોન ટેકનોલોજી સારી રીતે અપનાવી છે એટલું જ પર્યાપ્ત નથી એને રિફાઇન્ડ પણ કરી છે. આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ કયા વિસ્તારોમાં વધી શકે છે તેના પર ધ્યાન આપવામાં ઈતિહાસ સોફ્ટવેર ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતે કરેલી આ પહેલ અન્ય રાજ્યોમાં પણ મદદરૂપ થશે એનું અમને ગૌરવ છે.
 
ગુજરાતમાં કોરોનાના દર્દીઓને અપાઈ રહેલી સારવાર અને કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે કરેલી આરોગ્ય વ્યવસ્થાઓ માટે પૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં ડૉ. પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ હોસ્પિટલ અને આઈ.સી.યુ. બેડ પર્યાપ્ત માત્રામાં છે. ગુજરાતે આગોતરી સજ્જતા રાખીને પૂરી તૈયારી કરી છે. દર્દીઓની સંખ્યા વધે તો પણ સંભાળી શકાય એ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ખાનગી ડોક્ટરો સાથે સરકારનો સુમેળભર્યો તાલમેલ પણ પ્રશંસનીય છે. રાજ્ય સરકારે બનાવેલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સને મળીને પણ ખૂબ સારું લાગ્યું. ગુજરાત સરકાર જેવી આ પહેલ અને આ પદ્ધતિ તમામ રાજ્યોએ પણ અપનાવવા જેવી છે એમ તેમણે કહ્યું હતું.
 
ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો દર ભારતના મૃત્યુદર થી પણ ઓછો છે, એમ કહીને ગુજરાતની સારી સ્થિતિ વિશે સંતોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અનેક બાબતોમાં પહેલ કરી છે. પ્લાઝમા ટ્રાન્સમિશન હોય કે આરોગ્ય ક્ષેત્રના કર્મયોગીઓને તાલીમ આપવાની બાબત હોય ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. 
 
ગુજરાતમાં દવાઓ કે જરૂરી સાધન સામગ્રીની પણ કોઈ અછત નથી એટલું જ નહીં ગુજરાતે આવનારા સમયને ધ્યાનમાં રાખીને દવાઓ અને અન્ય મેડિકલ જરૂરિયાતો માટે પૂરતું આયોજન કર્યું છે. 104 ની સેવાઓ હોય કે ટેલી મેડિસિન કે પછી કોમ્યુનિટીને અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સર્વેલન્સની કામગીરી, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કામગીરી કે ટેકનિકલ બાબતોની કામગીરી આ તમામમાં ઉપયોગ કરવાની ગુજરાતે પહેલ કરી છે તે પ્રસંશનીય છે. 
 
વયસ્ક નાગરિકો અને અન્ય બીમારીઓ સાથે જીવતા વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને સુશ્રુષા માટે ગુજરાતે સારું કામ કર્યું છે. આયુષ અંતર્ગત સેવાઓમાં પણ ગુજરાતમાં ખૂબ સારું કામ થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીએમ ડેશબોર્ડથી પ્રભાવિત ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ ઉદાહરણીય અને પ્રસંશનીય છે.