રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2020 (10:56 IST)

રાજકોટના ઉદ્યોગપતિએ કુશળ કારીગરો પ્લેન મારફતે બોલાવ્યા

વધતા જતા કોરોના સંક્રમણ અને લોકડાઉનના લીધે પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. લોકડાઉનમાં રોજગારી ન મળતાં પરિવાર સાથે વતન પરત ફરેલા મજૂરોના લીધે ગુજરાતના ઉદ્યોગકારોને ભારે તકલીફ પડી રહી છે. કુશળ કારીગરોની અછત સર્જાઇ છે. એમાં પણ ખાસકરીને રાજકોટ, મોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં મજૂરોની ભારે તકલીફ પડી રહી છે ત્યારે રાજકોટના શાપરમાં ટેક્નોકાસ્ટની કંપનીને મોટો ઓર્ડર મળતાં તેમણે પોતાના 20 કુશળ કારીગરોને વિમાન મારફતે પરત બોલાવ્યા છે. કંપનીએ પોતાના એક માણસને વિમાનની ટિકીટો લઇને દોડાવ્યો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે હવે ધીમે ધીમે પરપ્રાંતિય મજૂરો ફરીથી રાજકોટની વસાહતોમાં પરત ફરી રહ્યા છે. વતનથી રાજકોટ પરત ફરી રહેલા પરપ્રાંતિય મજૂરોની ગુજરાત બોર્ડર કે રાજકોટમાં જ્યાં ઉતરે છે ત્યાં તેમના આરોગ્યની કોઇપણ પ્રકારની તપાસ થતી નથી. ત્યારે અન્ય રાજ્યમાંથી આવતા શ્રમિકો માટે આરોગ્ય ચકાસણી થવી જોઈએ તેવી માગણી ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે.
 
શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતના ચેરમેન રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, અમારે કુશળ કારીગરોની જરૂર હોવાથી અમે શ્રામિકોને બોલાવી રહ્યા છીએ. અમારી ફેકટરીમાં દરરોજ થર્મલગનથી દરેક શ્રમિકોની ચકાસણી થાય છે. છેલ્લા બે મહિનામાં કોઈ શંકાસ્પદ કિસ્સો હજૂ સામે આવ્યો નથી. આમ છતા ચોકસાઈ થવી જરૂરી છે.