ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 જુલાઈ 2020 (12:39 IST)

હવે શાળા કોલેજો દિવાળી બાદ શરુ થવાની શક્યતાઓ, કોર્સ ઘટાડી દેવા સૂચન

હાલમાં કોરોનાની સ્થિતીના કારણે સરકાર સામે સૌથી મોટો પડકાર શૈક્ષણિક સંસ્થાઓને ફરી એકવાર કાર્યરત કરવાનો છે. જેના કારણે સરકારનાં ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી સહિત બેઠકો યોજી રહ્યા છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણવિદો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને શરૂ નહી કરવા માટેનો એક સંયુક્ત સુર શિક્ષણવિદોનો થયો હતો. જો કે શાળાઓ ચાલુ ન થાય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોવાનાં કારણે શું કરી શકાય તે અંગે થયેલી ચર્ચામાં કોર્સ ઘટાડી દેવા માટેનો પણ એક સુર જોવા મળ્યો હતો. જો કે દિવાળી વેકેશન સુધી શાળાઓ કાર્યરત નહી કરવા માટે તમામ શિક્ષણવિદોએ ભાર પુર્વક જણાવ્યું હતું. આ અંગે સરકારી અધિકારીઓ પણ વિચારી રહ્યા છે.કોરોનાની સ્થિતી હવે ગ્રામ્ય સ્તરે વિકટ થતો જાય છે. તેવી સ્થિતીમાં દિવાળી વેકેશન બાદ જ શાળા કાર્યરત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે તેવામાં કોર્સ પુર્ણ કઇ રીતે કરવો તે એક મોટો પડકાર છે. તેવામાં કોર્સ પણ ઘટાડવા અંગેના ઓપ્શન અંગે સરકાર વિચારણા કરી રહી છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર તમામ ઉચ્ચ અધિકારીઓ, મંત્રીમંડળ અને શિક્ષણવિદો સાથેની બેઠક બાદ જ લેશે.