શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 11 જૂન 2020 (12:19 IST)

ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ સ્કૂલો શરૂ કરવા તમામ પાસાની ચકાસણી બાદ નિર્ણય

ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની સાથે સ્કૂલ સંચાલકો, વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય, સૂચનો મેળવવામાં આવી રહ્યા છે જેમાં 15 ઓગેસ્ટ પછી સ્કૂલો શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયની ગાઈડલાઈન, આરોગ્ય વિભાગ અને ગૃહવિભાગની સૂચનાઓ સાથે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરવા અંગેની ચોક્કસ નીતિ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. મહામારી કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હવે દેશ ધીમે–ધીમે અનલોક થઈ રહ્યો છે ત્યારે લગભગ બે મહિનાથી બંધ સ્કૂલોને હજી પણ ખોલવામાં આવી નથી. આરોગ્ય અધિકારીઓની મદદથી રાજ્ય સરકાર 15મી ઓગસ્ટ સુધીમાં સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ લોકડાઉનના કારણે બધં કરાયેલી સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય લેશે.
રાજ્ય સરકારે સ્કૂલો, શિક્ષકો અને લાગતા–વળગતા નિષ્ણાતોને સ્થિતિની સમીક્ષા કરીને પોતાના અભિપ્રાય રજૂ કરવાનું સૂચન આપી દીધું છે. ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર,અમે નિરીક્ષણના તારણનો અભ્યાસ કરીશું અને તેની ચર્ચા વાલીઓ સાથે કર્યાં પછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે નિર્ણય લઈશું.
સૌથી મોટી ચિંતા ધોરણ 1થી 5ના બાળકોની છે. બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે 15 જૂનથી ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી રહ્યાં છીએ અને વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જાય તેની પણ વ્યવસ્થા કરી છે. રાજ્યની કેટલીક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં વર્ચ્યુઅલ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. કોરોના  સંકટ અને લોકડાઉન દરમિયાન શાળાઓએ નવી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવી છે.