શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 મે 2021 (13:12 IST)

ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસનું જોખમ વધારી દે છે: ડૉ. અતુલ પટેલ

સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર ડૉ. અતુલ પટેલે જણાવ્યું કે, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનની જેમ કોરોનાનો પણ એક નેચરલ કોર્સ હોય છે, અમુક દિવસો સુધી તે શરીરમાં રહે છે. સ્ટીરોઈડ કોરોનાના નેચરલ કોર્સમાં બદલાવ લાવે છે અને વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમને સપ્રેસ કરે છે જેથી મ્યુકરમાઇકોસિસ શરીર પર હાવી થવાની સંભાવના વધી જાય છે. કોરોના પહેલા મ્યુકરમાઇકોસિસ થવાનું મોટું કારણ ડાયાબિટીસ હતું. સ્ટીરોઈડ લેવાથી સ્વાદુપિંડ પર તે અસર કરે છે અને વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસની અસર જન્માવે છે. આમ ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું ડેડલી કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસને અનુકુળ માહોલ આપે છે. 
 
તેમણે કહ્યું કે, મ્યુકરમાઇકોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે સામાન્ય રીતે તે આપણી આસપાસના વાતાવરણમાં બધે જ વ્યાપ્ત છે. આપણે રોજ આ ફૂગના વિજાણુને શ્વાસમાં લઈએ છીએ પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી.
 
તેમણે ઉમેર્યું કે, કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, ગળા, જડબા અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. મ્યુકરમાઇકોસિસ લાંબી સારવાર માંગી લેતું હોય છે અને આ કિસ્સામાં મૃત્યુ દર અલગ-અલગ શહેરોમાં ૩૮ થી ૪૫ ટકા જોવા મળ્યો છે.
 
તેમણે વધુમાં કહ્યું કે, વ્યક્તિ શરદી, ખાંસી, કળતર તાવ જેવાં લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવે છે ત્યારે ઘણી દવાઓનો આગ્રહ રાખે છે તે યોગ્ય નથી. કોમોર્બિડ દર્દીઓને પણ અન્ય રોગ નિયંત્રિત સ્થિતિમાં હોય તો તેઓએ પણ  ડરવું જોઈએ નહીં. કોવિડ-૧૯ના ૮૦ ટકા દર્દીઓ માત્ર હોમ આઇસોલેશનથી સાજા થઇ શકે છે. વ્યક્તિએ હાઇડ્રેશન- શરીરમાં પ્રવાહી જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
 
ડો.અતુલે કહ્યું કે, કોવિડના ઘણા દર્દીઓ આઇ.સી.યુ. અને ઓક્સિજનની કે કોઇ અન્ય દવાઓની જરૂર પડશે તેવું વિચારી માનસિક તણાવમાં આવી જતા હોય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૨૦ ટકા દર્દીઓને જ સિમ્ટોમેટિક સપોર્ટિવ કેરની જરૂર છે.
 
રેમડેસિવિરનો ઉપયોગ પણ તબીબની સલાહ પ્રમાણે જ કરવો જોઈએ. રેમડેસિવિર લાઇફ સેવિંગ ડ્રગ છે તેવું કોઇ જ સ્ટડીમાં પુરવાર થયું નથી. રેમડેસિવિર માત્ર દર્દીનો હોસ્પિટલ સ્ટે ઘટાડે છે. રેમડેસિવિરના ઉપયોગથી મૃત્યુદરમાં કોઇ જ ફેરફાર થયો નથી. આ ઉપરાંત  કોરોના થતા જ દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન આપવાથી પણ કોઈ ફાયદો થતો નથી.