શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (17:29 IST)

પત્નીનો ડિલિવરીનો મેડિક્લેઈમ પતિ ચાઉં કરી ગયો, ફ્લેટના હપ્તા ભરવા પત્ની પર સાસરીયાનું દબાણ

શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ રૂપિયાનો ભૂખ્યો અને લાલચું છે. અને સાસુ-સસરા પણ અવાર-નવાર દહેજની માંગણી કરતા હતા. તેમજ પતિએ પરિણીતાના નામથી એક ફ્લેટ બુક કરાવી દર મહિને હપ્તા ભરવા માટે પણ દબાણ કરી તેને બાળક સાથે પિયર મોકલી દીધી હતી. અંતે પરિણીતાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી પડી છે. મહિલા ઉપર ઘરેલુ હિંસાઓના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં વધુ એક કિસ્સો અમદાવાદના વાડજ વિસ્તારમાં બન્યો છે. નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન 2017માં ન્યુ રાણીપ ખાતે રહેતા જયદીપ નિરંજનભાઈ ચોક્સી નામના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે મહિલા પણ વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી. જેને લઈને શરૂઆતમાં સાસુ સંધ્યા નિરંજન ચોક્સી, સસરા નિરંજન કાંતિલાલ ચોક્સી અને પતિનું સારું વર્તન જોવા મળ્યું. પરંતુ બાદમાં રૂપિયાની લાલચ સાસરિયામાં છતી થઇ અને મહિલાને ત્રાસ આપી દહેજ માગવાનું શરૂ કરી દીધું હતું. ત્રાસ એટલો વધી ગયો હતો કે, લગ્નના બે-ત્રણ માસમાં જ મહિલાને પિયરમાંથી વધુ 50 હજાર દહેજ લાવી આપવા ફરજ પડી હતી. બાદમાં મહિલાને નોકરી કરતા તેનાજ નામે બોપલ ખાતે એક ફ્લેટ લઈ ડાઉન પેમેન્ટ પાંચ લાખ પણ પિયરમાંથી મંગાવી લીધા હતા. લોનના હપ્તા ભરવા માટે સાસરિયાઓ દબાણ કરતા અને તારે નોકરી કરવી પડશે તેવો ત્રાસ આપતા હતા. પરંતુ મહિલાએ આ બધો જ ત્રાસ સહન કરી ગર્ભવતી હોવાનું સાસરિયાને જાણ કરીશ તો બધું સારું થઈ જશે તેવું માની બેઠી હતી. તેમ છતાં પરિણીતા લોનના હપ્તા ભરવા તેની નોકરી ચાલુ રખાવી અને કંઈપણ બોલે તો તેને માર મારતા હતા. જેથી મહિલાએ આ બધી વાત તેના પિતાને કરતા પિતા દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા. ગર્ભવતી મહિલાએ પુત્રીને જન્મ આપતા તેની સિઝરીયન ડિલિવરીનો ખર્ચ તેના ભાઈએ ચૂકવ્યો તેમાં હતા પણ પતિની નજર હતી. એટલે તમામ ડોક્યુમેન્ટ અને ખર્ચની ફાઇલ મંગાવી કંપનીમાંથી ક્લેઇમ કરી 68 હજાર બારોબાર ચાંઉ કરી લીધા હતા. જોકે મહિલાના ભાઈ અને પિતા આ વાતની ગણતરી ન કરતા સાસરિયે પરત મોકલવાનું કરતા સાસરિયા પક્ષે પરિણીતાને સ્વીકારવાની જ ના પાડી દીધી હતી. જેથી કંટાળીને આખરે મહિલાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ અને દહેજ માંગણીની ફરિયાદ આપતા વાડજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.