ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (16:45 IST)

ચોંકશો નહી...આ વીડિયો તાલિબાનનો નહી પણ ગુજરાતનો છે, પ્રેમ પ્રકરણ મુદ્દે યુવકને મળી તાલિબાની સજા

Taliban but of Gujarat
ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી લાકડી ડંડા વડે માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની સજા સામાન્ય થઈ ગઈ છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. 
 
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક નીચે જમીન પર પડ્યો છે અને તેના હાથ પગ દોરડાથી બાંધવામાં આવ્યા છે. તો બીજા વીડિયોમાં ત્રણ યુવકોને વીજપોલ સાથે બાંધવામાં આવ્યા છે. દરમિયાન તેની આસપાસ લોકોનું ટોળું ઉભું છે અને યુવકને ધમકાવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો ગોધરા તાલુકાના ઓરવાડા ગામના હોવાની ચર્ચા છે. સગીરના પ્રેમ પ્રકરણ મુદ્દે પ્રેમી સહિત ત્રણ યુવકોને ગ્રામજનોં દ્વારા તાલિબાની સજા અપાતા આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
 
નોંધાયેલી ફરિયાદ અનુસાર 7 એપ્રિલની રાત્રે એકાદ વાગ્યાના અરસામાં મારા સગીર મિત્રનો ફોન આવ્યો હતો અને મને જણાવેલ કે હું જે છોકરી સાથે પ્રેમ કરું છું તે મને ઓરવાડા ગામે મળવા બોલાવે છે તું પણ મારી સાથે આવ તેમ કહેતા હું એ યુવકના ઘેર ગયો હતો. મારી પાસે બાઇક નહીં હોવાથી ભૂપેન્દ્ર લક્ષ્મણભાઇ પટેલનો સંપર્ક કરી તેની સાથે ભૂપેન્દ્રની બાઇક પર સગીર મિત્રને લઇને રાત્રે બે વાગ્યાના અરસામાં ઓરવાડા ગામના તળાવ પાસે ગયા હતાં.
 
ઓરવાડાથી તળાવ ફળિયામાં જતા રાત્રે અંધારામાં એક બાઇક પર આવેલા બે માણસોએ અમને રોકી ગડદાપાટુ માર મારી અપશબ્દો બોલતા હતાં. આ વખતે બીજા માણસો આવી ગયા  હતા અને અમને ઘેરી વળી અમોએ જ તમને અહીં બોલાવેલ છે તેમં કહી અમને વીજ થાંભલા સાથે દોરડા વડે બાંધી વારાફરતી લાકડી તથા ડંડા વડે માર માર્યો હતો.  સવારે દશ વાગ્યા સુધી થાંભલા સાથે બાંધી રાખેલ ત્યારબાદ ગામના સરપંચ તથા બીજા આગેવાનોને જાણ થતા અમોને છોડાવ્યા હતાં. આ વખતે ગ્રામજનોએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયા છો પણ ફરીથી જીવતા નહિ છોડીએ.
 
યુવક શહેરા તાલુકાનો હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.