ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો
ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને હવે ડિસ્કાઉન્ટના નામે ગેરમાર્ગે દોરવાનું મુશ્કેલ બનશે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહક સુરક્ષા નિયમોમાં અત્યંત મહત્ત્વના ફેરફારો કર્યા છે, જે નવા નિયમો જાન્યુઆરીથી લાગુ થવાની શક્યતા છે. આ અંતર્ગત જ્યારે પણ કોઈ ઉત્પાદનની કિંમતમાં ઘટાડો જાહેર કરવામાં આવશે, ત્યારે કંપનીઓએ હાલની ઘટાડેલી કિંમતની સાથે અગાઉની મૂળ કિંમત પણ દર્શાવવી ફરજિયાત રહેશે.
ડિસ્કાઉન્ટ અને ભાવ ઘટાડામાં પારદર્શિતા
અગાઉની કિંમત દર્શાવવા માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટ જાહેર કરતાં પહેલાંના ૩૦ દિવસ દરમિયાન જે સૌથી ઓછી કિંમતે ઉત્પાદન વેચાયું હોય, તે જ કિંમત અગાઉની કિંમત તરીકે દર્શાવવી પડશે. ખાસ કરીને તહેવારોની વેચાણ મોસમ (ફેસ્ટિવલ સેલ) દરમિયાન મોટા ડિસ્કાઉન્ટની જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે આ નિયમથી ગ્રાહકોને ખરેખર કેટલો ભાવ ઘટાડો મળ્યો છે તેની સ્પષ્ટ અને સાચી માહિતી મળશે.
સર્ચ રિઝલ્ટ અને સ્પોન્સર્ડ જાહેરાતો પર નિયંત્રણ
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરાયેલા આ સુધારાનો મુખ્ય હેતુ ઓનલાઈન ખરીદીમાં પારદર્શિતા વધારવાનો છે. ઈ-કોમર્સ કંપનીઓ પર સર્ચ રિઝલ્ટને મેનિપ્યુલેટ કરવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેથી ગ્રાહક ગેરમાર્ગે ન દોરાય. આ ઉપરાંત, ચૂકવણી કરીને દર્શાવવામાં આવતી જાહેરાતો (પ્રાયોજિત પરિણામો) પર સ્પષ્ટ રીતે "Sponsored" કે જાહેરાત હોવાનો ઉલ્લેખ કરવો પડશે, જેથી ગ્રાહક સામાન્ય પરિણામ અને પ્રમોટેડ પરિણામ વચ્ચે તફાવત સમજી શકે.
રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ
નવા નિયમો મુજબ દરેક ઈ-કોમર્સ કંપનીએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન સાથે જોડાવું પડશે અને ફરિયાદકર્તાને ફરિયાદ અધિકારી પાસે નોંધાયેલી ફરિયાદની નકલ આપવી પડશે. આ સાથે જ કંપનીઓએ ઉત્પાદનની બેસ્ટ બિફોર તારીખ, રિટર્ન પોલિસી, રિફંડ, વોરંટી, ડિલિવરી અને પેમેન્ટ સંબંધિત તમામ વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે. વર્ષ ૨૦૨૫માં હેલ્પલાઈન પર આવેલી ૧૭.૭ લાખ ફરિયાદોમાંથી ૨૯ ટકા ઈ-કોમર્સની હોવાથી આ નિર્ણય લેવાયો છે.
વિદેશી સામાનની વિગતો અને ડેટા સુરક્ષા
વિદેશથી આયાત કરાયેલાં ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મે આયાતકારની વિગતો અને 'કંટ્રી ઓફ ઓરિજિન' (ઉત્પાદન કયા દેશમાં બન્યું છે) દર્શાવવું પડશે. તેમજ ગ્રાહકની સ્પષ્ટ સંમતિ વિના તેમની વ્યક્તિગત માહિતીનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય, અસંબંધિત ઉત્પાદનો માટે બંડલ ફી વસૂલવા પર પણ રોક લગાવાઈ છે, જેથી બનાવટી ડિસ્કાઉન્ટના દાવાઓ પર અંકુશ આવશે અને ગ્રાહક અધિકારો વધુ મજબૂત બનશે.
